
પાટણ, 07 ઓક્ટોબર (હિ.સ.) પાટણના લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા જિલ્લા કક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પાટણ જિલ્લાની 25 શાળાઓના આશરે 100 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
શેઠ એમ.એન. હાઇસ્કૂલ, પાટણના ધોરણ-11 સાયન્સના વિદ્યાર્થીઓ પરમાર સાહિલ રાજેશભાઈ અને સથવારા ભવ્ય ભરતભાઈએ શિક્ષક રમેશ વાગડિયાના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બંને વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટોપ ફાઈવમાં સ્થાન મેળવ્યું હતું.
સ્પર્ધામાં પરમાર સાહિલ રાજેશભાઈએ દ્વિતીય ક્રમ અને સથવારા ભવ્ય ભરતભાઈએ ચોથો ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તેમની આ સફળતાના આધારે બંને વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાની રૂરલ આઈ.ટી. ક્વિઝ સ્પર્ધા માટે પાટણ જિલ્લાની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. હવે તેઓ રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે બંને વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષક રમેશ વાગડિયાને અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ