


વડનગર/અમદાવાદ,07 ઑક્ટોબત (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે પ્રારંભ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ આજે ઉત્સાહભેર સંપન્ન થઈ છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી થી તેમના જન્મસ્થળ વડનગર સુધી યોજાયેલી આ વિશેષ યાત્રામાં પધારેલા આશરે 500 જેટલા યુવા બાઈકર્સ દ્વારા વડનગરના ઐતિહાસિક અને પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર ગંગાજળ વડે વિશેષ જળાભિષેક તેમજ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે વડનગરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.
અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પશ્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદન કરીને વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીને ગૌરવની અનંત અનુભૂતિ વ્યક્ત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ દેશના ખૂણે-ખૂણે ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ, રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ તથા એવિએશન ક્ષેત્રે ઉડાન યોજના જેવા અનેકવિધ જનકલ્યાણકારી પ્રકલ્પો થકી છેવાડાના સામાન્ય માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે પહોંચી રહ્યા છે.
આઝાદીના અમૃત કાળમાં 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે સમગ્ર દેશના નાગરિકો એકજૂથ થઈને 'વી વિલ ડૂ ઈટ' (We Will Do It) ના બુલંદ નારા સાથે એકતા અને ઉત્સાહપૂર્વક જોડાયા છે. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને સાંકળતી આ વારાણસીથી વડનગર ‘સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ