વડનગરમાં વારાણસી થી વડનગર સેવા યાત્રાનો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન
- વડનગરમાં હાટકેશ્વર મહાદેવનો ગંગાજળથી જળાભિષેક - મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્
The grand closing ceremony of the Varanasi to Vadnagar Seva Yatra concluded in Vadnagar.


વડનગરમાં વારાણસી થી વડનગર સેવા યાત્રાનો ગૌરવશાળી સમાપન સમારોહ સંપન્ન


વારાણસી થી વડનગર સેવા યાત્રા કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી તથા શિવરાજ સિંહ ચૌહાણ


વારાણસી થી વડનગર સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી સુવેન્દુ અધિકારી


- વડનગરમાં હાટકેશ્વર મહાદેવનો ગંગાજળથી જળાભિષેક

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિ

- વિકસિત ભારત-2047ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતની યુવા શક્તિ 'We Will Do It'ના બુલંદ સંકલ્પ સાથે અગ્રેસર રહેશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

- સ્વામી વિવેકાનંદની ભવિષ્યવાણીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતને ‘વિશ્વગુરુ’ બનાવીને સાકાર કરી રહ્યા છે: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ

- વારાણસીથી વડનગર સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી

વડનગર/અમદાવાદ,07 ઑક્ટોબત (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસે પ્રારંભ થયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘વારાણસી થી વડનગર સેવા યાત્રા’ આજે ઉત્સાહભેર સંપન્ન થઈ છે. પ્રધાનમંત્રીના સંસદીય ક્ષેત્ર વારાણસી થી તેમના જન્મસ્થળ વડનગર સુધી યોજાયેલી આ વિશેષ યાત્રામાં પધારેલા આશરે 500 જેટલા યુવા બાઈકર્સ દ્વારા વડનગરના ઐતિહાસિક અને પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર ગંગાજળ વડે વિશેષ જળાભિષેક તેમજ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે વડનગરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ રચાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જનસેવા અને સમર્પણના 25 વર્ષ અંતર્ગત દેશવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’માં ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’નો વડનગર ખાતે ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.

અલગ અલગ રાજ્યોમાંથી આવેલા બાઈકર્સ અને સેવા યાત્રીઓનું આ તકે મહાનુભાવો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘વારાણસીથી વડનગર સેવા યાત્રા’ના સમાપન પ્રસંગે જણાવ્યું કે,7 ઓક્ટોબર 2001ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવાદાયિત્વ સંભાળ્યું હતું. આજે વડાપ્રધાનએ સતત ૨૫ વર્ષ સુધી જનસેવા અને સુશાસનનું દાયિત્વ નિભાવીને દેશમાં સૌથી લાંબા સમય સુધી સેવાદાયિત્વ આપનાર જનનાયક બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે સત્તાને પદ નહિં પરંતુ સેવાનું સાધન માન્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબો, મધ્યમ વર્ગ, ખેડૂતો, નારી શક્તિ અને યુવાનોના કલ્યાણ સાથે દરેક નાગરિકમાં દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો વિશ્વાસ જગાવ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ભૂકંપ અને અન્ય પડકારોને તકમાં પલટાવીને પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી રાજ્યને 'ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર' બનાવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર હબ જેવા પ્રકલ્પો તેમના દ્રષ્ટિવંત વિઝનનું જ પરિણામ છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સના અભિગમથી દેશમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. એટલું જ નહિ, ભારત વિશ્વની ટોપ-5 ઇકોનોમીમાં સ્થાન પામ્યું છે.

તેમના નેતૃત્વમાં કોરોના કાળમાં વેક્સિન સહાય, COP-21 ગ્રીન એનર્જી લક્ષ્યાંકો પૂર્ણ કરવા, કલમ 370 નાબૂદી, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ તેમજ સ્પેસ અને ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભરત થી ભારતે વૈશ્વિક ક્ષમતા સાબિત કરી છે.

મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને 25 વર્ષના સફળ સેવાદાયિત્વ બદલ અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત ભારત 2047ના પ્રધાનમંત્રીએ આપેલા સંકલ્પને સાકાર કરવા માટે તેમણે 'We Will Do It'નું જે આહવાન કર્યું છે તે ઝીલી લઈને ગુજરાતની યુવા શક્તિ વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, 7મી ઓક્ટોબરનો આ દિવસ ઐતિહાસિક છે. વડનગરની આ પવિત્ર ભૂમિએ દેશને એક એવો વિરલ લાલ આપ્યો છે, જેમણે સમગ્ર વિશ્વમાં ભારતની વિજય પતાકા લહેરાવી છે. 7 ઓક્ટોબર 2001ના રોજ મુખ્યમંત્રી તરીકે સેવા કાર્યોની જે યાત્રા શરૂ થઈ હતી, તે માત્ર શાસન નહોતું, પરંતુ રાષ્ટ્રના પુનઃનિર્માણનો મહાયજ્ઞ હતો.

સતત 25 વર્ષ સુધી એક પણ દિવસનો આરામ લીધા વગર, અટક્યા વગર અને ઝૂક્યા વગર દેશના વિકાસ અને ગરીબોના કલ્યાણ માટે કાર્ય કરવું એ અભૂતપૂર્વ સિદ્ધિ છે તેમ તેમણે પ્રધાનમંત્રીના સેવા દાયિત્વની સરાહના કરતા જણાવ્યું હતું.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકોને ટાંકીને કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વને બિરદાવતા કહ્યું કે, ગીતામાં દર્શાવેલા 'સાત્વિક કર્તા'ના તમામ ગુણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં જોવા મળે છે. તેઓ રાગ-દ્વેષ અને અહંકારથી પર રહીને ધૈર્યના પ્રતિક બન્યા છે. કોરોના મહામારીનું ઘોર સંકટ હોય કે આતંકવાદ સામેનો આકરો પ્રહાર, તેમણે હંમેશા દેશને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. ઓપરેશન સિંદૂર જેવા પગલાંઓ થકી આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને પાઠ ભણાવ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે, 100 વર્ષ પહેલાં એક નરેન્દ્ર સ્વામી વિવેકાનંદજીએ ભવિષ્યવાણી કરી હતી કે, ભારતમાતા ફરી એકવાર જાગૃત થઈને વિશ્વગુરુના પદ પર બિરાજમાન થશે. આજે બીજા નરેન્દ્ર નરેન્દ્ર મોદીના મજબૂત અને સંકલ્પબદ્ધ નેતૃત્વ હેઠળ ભારત વિશ્વગુરુ બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

બાઈક રેલી થકી વારાણસીથી વડનગર સુધી સ્વચ્છતા અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યો કરતા આવેલા યુવાનોને બિરદાવતા તેમણે જણાવ્યું કે, દેશનો સાચો યુવા એ છે જેના હૃદયમાં દેશદાઝ હોય અને જેના પગમાં ગતિ હોય. રાજકીય અરાજકતા ફેલાવનારા તત્વો સામે દેશનો યુવા વર્ગ વિકાસ અને રાષ્ટ્ર સેવાના માર્ગે અગ્રેસર છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ ઉપસ્થિત સૌ નાગરિકોને પશ્ચિમ બંગાળની જનતા વતી કોટિ-કોટિ વંદન કરીને વડનગરની પાવન અને ઐતિહાસિક ભૂમિ પર પધારીને ગૌરવની અનંત અનુભૂતિ વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ એ જ પવિત્ર માટી છે જેણે દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા વિઝનરી જનનાયક આપ્યા છે. પ્રધાનમંત્રીના દ્રષ્ટિવંત અને સશક્ત નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ અને ગરીબ કલ્યાણના મંત્ર સાથે વિકાસ અને સુશાસનના એક નવા યુગનો મંગલ પ્રારંભ થયો છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રીના કુશળ માર્ગદર્શન હેઠળ દેશના ખૂણે-ખૂણે ખેડૂતોનું કલ્યાણ, ગ્રામીણ વિકાસ, રોડ અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકીકરણ, પીએમ આવાસ યોજના, પીએમ કિસાન સન્માન નિધિ તથા એવિએશન ક્ષેત્રે ઉડાન યોજના જેવા અનેકવિધ જનકલ્યાણકારી પ્રકલ્પો થકી છેવાડાના સામાન્ય માનવી સુધી સરકારી યોજનાઓના લાભો સીધા અને પારદર્શી રીતે પહોંચી રહ્યા છે.

આઝાદીના અમૃત કાળમાં 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે આજે સમગ્ર દેશના નાગરિકો એકજૂથ થઈને 'વી વિલ ડૂ ઈટ' (We Will Do It) ના બુલંદ નારા સાથે એકતા અને ઉત્સાહપૂર્વક જોડાયા છે. અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણને સાંકળતી આ વારાણસીથી વડનગર ‘સેવા યાત્રા’એ દેશની અખંડિતતા, સામાજિક સમરસતા અને સાંસ્કૃતિક ચેતનાને નવી ઊર્જા પૂરી પાડી છે.

સેવા યાત્રાના સમાપન સમારોહમાં નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સ્વાગત પ્રવચન કરતા કાશીની પવિત્ર ધરા તથા દેશના વિવિધ પ્રદેશોમાંથી પધારેલા બાઇકર્સ અને યુવાનોને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ અત્યંત ઐતિહાસિક અને સુવર્ણ અવસર સમાન છે.

કાશીથી રવાના થયેલા આ બાઈકર્સ પોતાની સાથે ગંગા મૈયાનું પવિત્ર જળ લઈને વડનગર પહોંચ્યા હતા. પ્રાચીન હાટકેશ્વર મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત વિધિ-વિધાન સાથે દેવાધિદેવ મહાદેવની આરાધના કરીને લોકકલ્યાણ તથા રાષ્ટ્રની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરવામાં આવી હતી. આ જળાભિષેક અને આરાધના દ્વારા કાશી અને વડનગર વચ્ચેના આત્મિય, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો વધુ સુદ્રઢ બન્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande