
નવસારી, 07 ઓક્ટોબર (હિ.સ.)-વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત નવસારીમાં નાણાં અને શહેરી વિકાસ મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
લુન્સીકુઈ મેદાન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવી દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનના સંબોધન બાદ ઉપસ્થિત નાગરિકો અને અધિકારીઓએ વર્ષ 2047 સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ માટે ‘વિકસિત ભારત @ 2047’નો સામૂહિક સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ તથા મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિકાસ જ્યોતિ મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાનના ગુંજારવ વચ્ચે લુન્સીકુઈ મેદાનથી જૂનાથાણા સુધીની ‘સેવા જ્યોતિ યાત્રા’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન પિરામિડ ડાન્સ, ગરબા અને કાઠિયાવાડી મંડળી દ્વારા રજૂ કરવામાં આવેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત જનમેદનીનું ધ્યાન ખેંચ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મેયર અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત ડેપ્યુટી કમિશનર, મામલતદાર, વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ મહાનુભાવો અને નાગરિકો પગપાળા ‘સેવા જ્યોતિ યાત્રા’માં જોડાયા હતા. યાત્રા દરમિયાન નવસારીના નાગરિકોએ વિકાસ, જનસેવા અને સમર્પણની ભાવનાને ઉજાગર કરતા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે