





પોરબંદર, 08 ઓક્ટોબર (હિ.સ.)રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ કરવા
તેમજ ‘વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવામાં ઉદ્યોગસાહસિકોની ભાગીદારી વધારવાના
ઉદ્દેશ્ય સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત પોરબંદર ખાતે વિશેષ સેમિનારનું આયોજન
કરવામાં આવ્યું હતું.
પોરબંદર જી.આઈ.ડી.સી. સ્થિત સી.ઈ.ડી. પ્રાદેશિક
કચેરી ખાતે ‘Bringing in Conducive Environment for MSMEs – towards Viksit Gujarat’ વિષય પર આયોજિત સેમિનારનો પ્રારંભ
મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પોરબંદરના સંયુક્ત ઉદ્યોગ કમિશનર અને
જનરલ મેનેજર ડી.આર. પરમાર દ્વારા નવી ઔદ્યોગિક નીતિ-2026 અંતર્ગત ઉદ્યોગકારોને મળવાપાત્ર વિવિધ સરકારી
પ્રોત્સાહનો, સહાય
યોજનાઓ અને ઔદ્યોગિક વિકાસની તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તેમણે ઉદ્યોગસાહસિકોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કર્યા
હતા.
સેમિનાર દરમિયાન MSME એકમોને ઉદ્યોગ સ્થાપનાથી લઈને વિકાસના
વિવિધ તબક્કાઓ સુધી જરૂરી માર્ગદર્શન અને હેન્ડ-હોલ્ડિંગ સહાય પૂરી પાડવા અંગે
ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ‘વોકલ ફોર લોકલ’ અને ‘વેસ્ટ ટુ બેસ્ટ’ જેવા અભિગમો
દ્વારા સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા તથા નવીન ઉદ્યોગસાહસિકતાને વેગ આપવા પર
વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વિષય નિષ્ણાતો દ્વારા પેનલ ચર્ચા, પ્રોટોટાઈપ શોકેસિંગ, લાઈવ ડેમો અને નેટવર્કિંગ સત્રો
યોજવામાં આવ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકોને સરકારની સ્ટાર્ટઅપ યોજનાઓ અંગે
માહિતગાર કરી સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
આ તકે પોરબંદરના ઉભરતા ઉદ્યોગસાહસિક માધવભાઈ
કોટેચાએ પોતાના સ્ટાર્ટઅપ અંગે માહિતી આપી સ્ટાર્ટઅપ અંતર્ગત મળતી સરકારી સહાય તથા
પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ઉપરાંત પોરબંદર જિલ્લાના ઉદ્યોગકારોએ MSME RAMP
કાર્યક્રમ અંતર્ગત હૈદરાબાદ ખાતે
મેળવેલી તાલીમના અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું.
આ સેમિનારમાં જી.આઈ.ડી.સી. ઉદ્યોગનગર ધરમપુર–પોરબંદર
એસોસિએશનના પ્રમુખ લખમણભાઈ મોઢવાડિયા, ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર્સ ઓફ
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભૂતપૂર્વ પ્રમુખ જતીનભાઈ હાથી, જીગ્નેશભાઈ બથીયા, સી.ઈ.ડી. એસ.યુ.સી. સેન્ટરના જીગ્નેશભાઈ
ચૌહાણ તથા જી.આઈ.ડી.સી.ના આસિસ્ટન્ટ મેનેજર કેતુલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત
રહ્યા હતા.
કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાના સ્થાનિક
ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ
સાથે જોડાયેલા યુવાનો તેમજ રસ ધરાવતા ઉદ્યોગસાહસિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી
માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીગરભાઈ પંડ્યાએ કર્યું
હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya