
અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજના આધુનિક યુગમાં પણ વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિની અનેક નિશાનીઓ સચવાઈ રહી છે. ખાસ કરીને કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણીઓના નિવાસસ્થાને રજવાડા સમયની 100થી 150 વર્ષ જૂની અનેક વસ્તુઓ આજે પણ એન્ટિક પીસ તરીકે સાચવી રાખવામાં આવી છે. આ વસ્તુઓ માત્ર ઘરની શોભા વધારતી નથી, પરંતુ જૂના સમયની જીવનશૈલી અને સંસ્કૃતિની યાદોને પણ જીવંત રાખે છે.
સાવરકુંડલા તાલુકાના મેવાસા ગામમાં રહેતા મંગળુભાઈ ખુમાણના નિવાસસ્થાને પણ આવી અનેક જૂની અને ઐતિહાસિક વસ્તુઓ સાચવી રાખવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, રજવાડાના સમયથી ચાલી આવતી વિવિધ વસ્તુઓને પરિવાર દ્વારા વર્ષોથી સાચવવામાં આવી રહી છે. ખાસ કરીને તે સમયની મહિલાઓ દ્વારા બનાવવામાં આવતું ભરતકામ, મોતીકામ અને ચાકડાં જેવી વસ્તુઓ આજે પણ તેમના સંગ્રહમાં જોવા મળે છે.
આ વસ્તુઓમાં માત્ર ઉપયોગી સામગ્રી જ નહીં, પરંતુ તે સમયની કારીગરીની ઝલક પણ જોવા મળે છે. પિત્તળ અને તાંબા જેવી ધાતુમાંથી બનાવવામાં આવેલી કેટલીક વસ્તુઓ વર્ષો વીતી ગયા બાદ પણ પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. આજના સમયમાં આવી વસ્તુઓ બનાવવાની અને તેનો પરંપરાગત ઉપયોગ કરવાની રીત ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે.
સાવરકુંડલા તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કાઠી ક્ષત્રિય સમાજના કેટલાક પરિવારો પાસે આવી એન્ટિક વસ્તુઓ હજુ પણ જોવા મળે છે. કેટલાક પરિવારો તેને ઘરની શોભા માટે રાખે છે, તો કેટલાક લોકો તેને પોતાના પૂર્વજો અને પરંપરાની યાદગીરી તરીકે સાચવી રહ્યા છે.
જૂની વસ્તુઓને લાંબા સમય સુધી સાચવી રાખવી સરળ નથી. સમયની અસર, જાળવણીનો ખર્ચ અને યોગ્ય સંભાળના અભાવે આવી અનેક વસ્તુઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. તેમ છતાં, કેટલાક લોકો પોતાના શોખ અને સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમને કારણે આ વસ્તુઓનું જતન કરી રહ્યા છે.
મંગળુભાઈ ખુમાણના જણાવ્યા પ્રમાણે, આવી વસ્તુઓ સાચવવાનો મુખ્ય હેતુ માત્ર શોખ પૂરતો નથી, પરંતુ આવનારી પેઢીને પોતાના પૂર્વજોની જીવનશૈલી અને સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો પણ છે. રજવાડા સમયની આ એન્ટિક વસ્તુઓ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સમૃદ્ધ લોકપરંપરા અને વારસાની જીવંત સાક્ષી બની રહી છે.
સાવરકુંડલા શહેરમાં પ્રતાપભાઈ ખુમાણ ના ઘરે પણ 150 વર્ષ જૂની સુધી તેમજ અલગ અલગ વસ્તુઓ પણ જેવો દ્વારા હજુ પણ એન્ટિક પીસ તરીકે સાચવી રાખી છે
આજે જ્યારે આધુનિક વસ્તુઓએ જૂની પરંપરાગત ચીજવસ્તુઓનું સ્થાન લીધું છે, ત્યારે અમરેલીના કેટલાક પરિવારો દ્વારા સાચવવામાં આવતી આ 100થી 150 વર્ષ જૂની વસ્તુઓ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની કડી સમાન બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai