
બોટાદ, 08 ઓક્ટોબર (હિ.સ.) : બોટાદ શહેરની શ્રી લાલબહાદુર શાસ્ત્રી પ્રાથમિક શાળા નં. 25 ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ-બોટાદ દ્વારા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં નશાના દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવા તેમજ બાળ અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ અંગે સમજણ કેળવવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા અને બાળ અધિકારો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાળ કાયદાઓ, પોક્સો (POCSO) એક્ટ તથા બાળકોના રક્ષણ માટેની વિવિધ કાયદાકીય જોગવાઈઓ વિશે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકો માટે સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભ મેળવવાની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નશાના સેવનથી વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો તેમજ પરિવાર અને સમાજ પર પડતી નકારાત્મક અસર અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. નશાથી દૂર રહેવા તથા આસપાસના લોકોને પણ નશામુક્તિ માટે પ્રેરિત કરવા અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને સ્ટાફ દ્વારા નશાથી દૂર રહેવા, નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવા તથા અન્ય લોકોને પણ જાગૃત કરવાની શપથ ગ્રહણ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA