ગાંધીનગર મનપા ચૂંટણી અંતર્ગત ભાજપના સંકલ્પ પત્રની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઘોષણા કરાઇ
ગાંધીનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઘોષણા કરવામાં આવી હતી. 3rd આ પ્રસંગે નાયબ મુખ્યમ
ભાજપ ગાંધીનગર


ભાજપ ગાંધીનગર


ગાંધીનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રની ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં ઘોષણા કરવામાં આવી હતી. 3rd

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એવા સમયે યોજાઈ રહી છે જ્યારે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીથી દેશના પ્રધાનમંત્રી સુધીની જાહેરજીવનની સેવા અને સમર્પણની ૨૫ વર્ષની યાત્રા પૂર્ણ કરી ૨૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ વિકાસયાત્રા સાથે ગાંધીનગર પણ છેલ્લા વર્ષોમાં વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મહાનગરપાલિકાની સમગ્ર ટીમ અને નાગરિકોના સહયોગથી છેલ્લા પાંચ વર્ષમાં ડ્રેનેજ નેટવર્ક, પીવાના પાણીની નવી લાઈનો, નવા રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ, બગીચાઓ, તળાવો, સરકારી શાળાઓને સ્માર્ટ બનાવવાની કામગીરી, અમદાવાદ-ગાંધીનગર મેટ્રો કનેક્ટિવિટી, સાબરમતી-ગાંધીનગર રિવરફ્રન્ટ તથા ગાંધીનગરના વિવિધ વિસ્તારોમાં લોકલ બસ સેવા સહિત અનેક લોકઉપયોગી કાર્યો કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે, ગાંધીનગર આજે માત્ર સચિવાલયના શહેર તરીકે નહીં પરંતુ દેશ-વિદેશની મહત્વપૂર્ણ કોન્ફરન્સ, યુનિવર્સિટીઓ, ફિનટેક અને ગ્લોબલ કંપનીઓનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. ગાંધીનગરમાં ઉદ્યોગ, વેપાર અને રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે. આગામી દિવસોમાં ગાંધીનગરને સ્પોર્ટ્સ હબ અને સ્પોર્ટ્સ કેપિટલ તરીકે વિકસાવવાની દિશામાં પણ મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વિકાસયાત્રાને વધુ ઝડપથી આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીએ આગામી પાંચ વર્ષનું સ્પષ્ટ વિઝન અને પરિણામલક્ષી રોડમેપ રજૂ કર્યો છે.

સંઘવીએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીના સંકલ્પ પત્રમાં ગાંધીનગરને આગામી પાંચ વર્ષમાં વધુ સુવિધાસભર, સ્માર્ટ, સ્વચ્છ, સુંદર, હરિયાળું, સાંસ્કૃતિક કેન્દ્ર, રમતગમતનું કેન્દ્ર અને સર્વસમાવેશી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. દરેક માર્ગને સુગમ, દરેક સફરને સુરક્ષિત અને દરેક વિસ્તારને વિકાસ સાથે જોડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના માર્ગોને શહેરની આધુનિક ઓળખનું પ્રતીક બનાવવાની દિશામાં AI આધારિત ટ્રાફિક સિગ્નલ, ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવો, રોડ નંબર-૨ અને ૩ તથા ઘ-૭થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ તરીકે વિકસાવવા તેમજ વિવિધ સેક્ટરના એપ્રોચ રોડનું આધુનિકીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના રસ્તાઓને તબક્કાવાર CC રોડમાં રૂપાંતરિત કરવાની સાથે ખ-૨થી વાવોલ ઓવરબ્રિજના આયોજનને આગળ ધપાવવામાં આવશે અને ક-૭થી રાંદેજા તરફના ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવશે.

તેઓએ કહ્યું કે, ગાંધીનગરના દરેક સેક્ટરને આગવી ઓળખ મળે તે માટે થીમ આધારિત અર્બન ડિઝાઇન વિકસાવવામાં આવશે. દરેક સેક્ટરના વિશિષ્ટ અને આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક ફૂટપાથ તથા મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોનું એકરૂપ અને આકર્ષક સૌંદર્યીકરણ કરવામાં આવશે. ગાંધીનગરને આગામી દિવસોમાં AI, રોબોટિક્સ, ડિજિટલ એજ્યુકેશન અને નોલેજ ઇકોનોમીનું કેન્દ્ર બનાવવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં AI લેબ વિકસાવવામાં આવશે તેમજ સ્માર્ટ ક્લાસરૂમ , ડિજિટલ લર્નિંગ, STEM અને રોબોટિક્સ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ સ્કુલના વિકાસને વધુ વિસ્તૃત કરવાની સાથે રોબોટિક્સ આધારિત સ્પોર્ટ્સ ફેસીલીટી વિકસાવવામાં આવશે. ગાંધીનગરને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મજબૂત કેન્દ્ર બનાવવા ડેટા સેન્ટરના વિકાસને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.

ગાંધીનગરના દરેક બાળકને શિક્ષણ, દરેક યુવાનને આગળ વધવાની તક અને દરેક પ્રતિભાને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રે વિશેષ ભાર મૂકવામાં આવશે. શહેરમાં આધુનિક નમો લાઇબ્રેરી વિકસાવવામાં આવશે અને વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો તથા જ્ઞાનપ્રેમીઓ માટે આધુનિક અભ્યાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ ગામોમાં પુસ્તકાલય અને વાંચન સુવિધા વિકસાવવામાં આવશે તથા યુવાનોના શિક્ષણ, કૌશલ્ય અને કારકિર્દીને નવી દિશા આપતા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

ગાંધીનગરને સ્પોર્ટ્સ કેપિટલ તરફ આગળ લઈ જવા માટે આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમત સુવિધાઓ વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે અલગ જીમ, આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ, પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને Robotics-Based Sports Facility વિકસાવવામાં આવશે. યુવાનોને વિવિધ રમતોની આધુનિક તાલીમ અને પ્રેક્ટિસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.

ગાંધીનગરને માત્ર પ્રશાસનની રાજધાની નહીં પરંતુ કલા, સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની રાજધાની બનાવવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આધુનિક City Centre, Performing Arts Facility અને Town Hall વિકસાવવામાં આવશે. મીના બજારનું પુનઃવિકાસ અને આધુનિકીકરણ કરવામાં આવશે તથા ઘ-૫ Open Air Theatreને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવામાં આવશે. જાહેર સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલા અને સામાજિક પ્રવૃત્તિઓ માટે વધુ સારા જાહેર સ્થળો ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગાંધીનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ આપીને તેને ટુરિઝમ સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં આયોજન કરવામાં આવ્યું છે. ‘ગાંધીનગર શહેરી દર્શન’ થીમ આધારિત ડબલ ડેકર એસી બસ સર્વિસ શરૂ કરવાની દિશામાં આયોજન કરવામાં આવશે. શહેરના મહત્વના, ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળો તથા વિકાસના પ્રોજેક્ટ્સને પ્રવાસન સાથે જોડવામાં આવશે. અંબાપુર વાવનો હેરિટેજ સાઈટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વિકાસ કરવામાં આવશે અને ‘Waste to Best’ની વિચારધારા સાથે Wonder Park વિકસાવવામાં આવશે.

ગાંધીનગરની હરિયાળી તેની સૌથી મોટી ઓળખ છે અને તેને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સેક્ટર-૧ના તળાવનું રિડેવલપમેન્ટ કરીને વોક-વે, લેન્ડસ્કેપિંગ, બેઠક વ્યવસ્થા અને નાગરિકો માટે મનોરંજનની સુવિધાઓ વિકસાવવામાં આવશે. વૃક્ષારોપણ અને લેન્ડસ્કેપિંગ, મુખ્ય માર્ગો અને સેક્ટરોમાં થીમ આધારિત પ્લાન્ટેશન તથા જાહેર સ્થળો અને પ્રવેશદ્વારોનું સૌંદર્યીકરણ કરવામાં આવશે.

સંકલ્પ પત્રમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓના વિકાસને પણ શહેરના વિકાસ જેટલું જ મહત્વ આપવામાં આવ્યું છે. ગોકુળપુરા, ફતેહપુરા, આદીવાડા અને કુબેરનગર જેવા વિસ્તારોમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણી, જાહેર સુવિધાઓ અને અન્ય માળખાગત સુવિધાઓ સાથે સુવ્યવસ્થિત શહેરી વિકાસની સુવિધા વધારવામાં આવશે. ગ્રામિણ વિસ્તારોની જરૂરિયાતને અનુરૂપ ગ્રામિણ ચોક અને શ્રમિકોની સુવિધા તથા વ્યવસ્થિત રોજગાર વ્યવહાર માટે લેબર ચોકનું નિર્માણ કરવામાં આવશે. રાંધેજામાં કોમ્યુનિટી હોલ તેમજ રાંધેજા અને આસપાસના વિસ્તારોને શહેર સાથે વધુ સારી રીતે જોડતી પરિવહન અને માળખાગત સુવિધાઓ વિકસાવવામાં આવશે.

આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ પરિવારો માટે પીએમ આવાસ યોજનાના અસરકારક અમલીકરણ દ્વારા પાકા અને સુવિધાસભર આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાગરિકોને તેમની સમસ્યાના ઉકેલ માટે દૂર સુધી જવું ન પડે તે માટે વહીવટી સુવિધાઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસ વિકસાવી સ્થાનિક સ્તરે નાગરિક ફરિયાદો, પ્રમાણપત્રો અને સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના યોગદાનથી મળનારા ફંડનો મહત્તમ ઉપયોગ ગાંધીનગરના આધુનિક શહેરી વિકાસ માટે કરવામાં આવશે તથા મોટા અને ભવિષ્યલક્ષી શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પ્રાથમિકતા આપવામાં આવશે.

ગાંધીનગરને સ્વચ્છ, સ્વસ્થ અને સુરક્ષિત બનાવવા માટે જનભાગીદારીથી ફિઝિયોથેરાપી સેન્ટરોનું નિર્માણ કરવામાં આવશે. નાગરિકોના આરોગ્ય સાથે કોઈ સમાધાન નહીં થાય તે માટે મોબાઈલ ફૂડ ટેસ્ટ વાનની વ્યવસ્થા કરવામાં આવશે. ઘન કચરાના નિકાલ માટે બાયો માઈનિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને કચરાના નિકાલની વ્યવસ્થા વધુ સુદૃઢ કરવામાં આવશે. પશુઓ માટે આધુનિક એનિમલ હોસ્પિટલ વિકસાવવામાં આવશે તથા રખડતા અને બીમાર પશુઓની સારવાર માટે વધુ સક્ષમ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. પશુઓના મૃતદેહના સન્માનજનક અને વૈજ્ઞાનિક નિકાલ માટે અંતિમ સંસ્કારની યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આગામી પાંચ વર્ષ માત્ર નવા રસ્તા અને ઇમારતો બનાવવાના નહીં, પરંતુ ગાંધીનગરને આગામી પેઢી માટે તૈયાર કરવાના વર્ષો હશે. સ્માર્ટ રોડ્સ, AI લેબ્સ, સ્માર્ટ સ્કૂલ્સ, રોબોટિક્સ, ડેટા સેન્ટર, મોડર્ન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પરફોર્મિંગ આર્ટ્સ, ડિજિટલ લાઈબ્રેરીઝ, હેરિટેજ ટુરિઝમ, ગ્રીન અર્બન ડેવલપમેન્ટ, મોડર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સ્ટ્રોંગ રુરલ-અર્બન કનેક્ટિવિટી જેવી તમામ પહેલોને એકીકૃત કરીને ગાંધીનગરને ભવિષ્યલક્ષી, ટેકનોલોજી આધારિત અને માનવકેન્દ્રી શહેર બનાવવાનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ વ્યક્ત કર્યો છે. આ પ્રસંગે શહેર ભાજપા અધ્યક્ષ આશિષ દવેએ પ્રાસંગિક સંબોધન કરી જનસેવા અને જનસુવિધાના મંત્ર સાથે પાટનગરના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, પ્રદેશ મંત્રી નીરવ અમીન, મહાનગરના પ્રમુખ આશિષ દવે, સાંસદ રાજશે શુકલા, પ્રદેશના મુખ્ય પ્રવકતા ડો.અનિલ પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલ તથા મેયર મીરા પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande