
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : આગામી ૧૦ ઓક્ટોબરના રોજ રાજકોટના રેસકોર્સ ખાતે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખીમંડળો દ્વારા સંચાલિત રાજ્યના ૧૩૬ ગ્રામહાટનું લોકાર્પણ અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો શુભારંભ થશે. આ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાશે. આ આયોજનથી ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓના વેચાણ અને માર્કેટિંગને નવું પ્લેટફોર્મ મળશે, જે તેમના આર્થિક સશક્તિકરણને વેગ આપશે.
કાર્યક્રમની પૂર્વતૈયારીઓ અને સુચારૂ આયોજનની સમીક્ષા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના અધ્યક્ષસ્થાને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક પહેલાં મંત્રી કુંવરજી બાવળિયા અને જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે અધિકારીઓ સાથે રેસકોર્સ સ્થિત કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓ તેમજ સુરક્ષા અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.
કલેક્ટર કચેરીની બેઠકમાં મુખ્યમંત્રીના પ્રવાસ સંદર્ભે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, સુરક્ષા બંદોબસ્ત, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા સહિતની આનુષંગિક બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને તમામ કામગીરી સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે મંત્રીએ સંબંધિત અધિકારીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવાનો છે. સખીમંડળો દ્વારા સંચાલિત ૧૩૬ ગ્રામહાટના માધ્યમથી ગ્રામ્ય મહિલા ઉત્પાદકોને સીધું બજાર મળશે, જેથી તેમના ઉત્પાદનોનું યોગ્ય મૂલ્ય મળી રહેશે. આ ઉપરાંત, વિવિધ મહિલાલક્ષી યોજનાઓના પ્રારંભથી રાજ્યમાં મહિલા કલ્યાણ અને આર્થિક ઉત્થાનના પ્રયાસોને વધુ મજબૂતી મળશે.
આ સમીક્ષા બેઠકમાં ડીસીપી રાકેશ દેસાઈ, આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંહ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ. બારોટ સહિત વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધિકારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતપોતાના વિભાગની જવાબદારીઓ સુચારૂ રીતે નિભાવવાની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt