


ગાંધીનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) રાજ્યના નાગરિકોને જે શ્રેષ્ઠ રોડ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ મળી છે તેની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યમાં વધુ ગૌરવ પૂર્ણ બનાવવાની દિશાની ગતિ માટે સામૂહિક ચિંતન મહત્વપૂર્ણ છે તેવો સ્પષ્ટ મત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગની પ્રથમ દ્વિદિવસીય ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા સંબોધન કરી રહ્યા હતા.
ગતિ, ગુણવત્તા અને ગૌરવ એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત 2047ની થીમ સાથે યોજાઈ રહેલી આ શિબિરમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને સચિવ કક્ષાના અધિકારીઓ સામૂહિક મંથન કરવાના છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરાવેલી ચિંતન શિબિરની પરંપરા નો સંદર્ભ આપતા કહ્યું કે, સાથે આવવું એ શરૂઆત, સાથે વિચારવું એ પ્રગતિ અને સાથે કામ કરવું એ સફળતાનો વિચાર ત્યારે તેમણે આપેલો.
મુખ્યમંત્રીએ ‘મેં નહિ હમ’નો ભાવ તેમજ ‘સ્વયં થી વ્યમ’નો ધ્યેય રાખીને આ વિચાર સાકાર કરવામાં ચિંતન શિબીરોની ઉત્તરોત્તર સફળતાની સરાહના કરી હતી.
મુખ્યમંત્રીએ માર્ગ-મકાન વિભાગને સરકારનો અત્યંત મહત્વનો વિભાગ ગણાવતા જણાવ્યું કે, રોડ-રસ્તાના કામો, પૂલોના કામો કે જાહેર જનતાને સ્પર્શતા કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સારા કામોની હંમેશા લોકો પ્રશંસા કરે છે.
એટલું જ નહીં, જો ક્યાંય કોઈ ઉણપ દેખાય તો આલોચના પણ તરત કરે છે એટલે આ વિભાગે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ ન થાય અને શ્રેષ્ઠ કામ થાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અજાણતા ભૂલ થઈ હોય તો તે સુધારી શકાય પરંતુ જાણી જોઈને થયેલી ભૂલચૂક માફ થઈ શકે નહીં. તેમણે ટેન્ડર પ્રક્રિયામાં વિશેષ ધ્યાન આપવા સાથે એસ.ઓ.પી. મુજબ કામ થાય, સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતો પર ફોકસ કરીને સહિયારા પ્રયાસો, એફર્ટ્સની જરૂરિયાત સમજાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતન શિબીરો વ્યક્તિગત જીવનમાં પણ આત્મમંથનથી સુધારા લાવવાનું સક્ષમ માધ્યમ છે તેમ જણાવતા કહ્યું કે સૌએ આ અંગે પણ સિરિયસલી વિચારવું જોઈએ.મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો વિકસિત ભારત 2047નો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાતને અગ્રેસર રાખવાની નેમ વ્યક્ત કરી હતી.
ગુજરાત આજે દેશનું રોલ મોડલ છે અને બધાની નજર ગુજરાત તરફ છે ત્યારે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્ધાર સાથે ગતિ, ગુણવત્તા અને ગૌરવ અપાવે તેવા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં સૌને સહિયારા પુરૂષાર્થથી આગળ વધવા મુખ્યમંત્રીએ આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ શિબિરના પ્રારંભે બિલ્ડીંગ હેલ્થ મોનિટરીંગ અને બ્રિજ એસેટ મેનેજમેન્ટ સહિતની પૂસ્તિકાઓનું વિમોચન કર્યુ હતું અને ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્ષ-GPIના માનદંડ અનુસાર શ્રેષ્ઠ કામગીરી કરનારા ઈજનેરો-અધિકારીઓને એવોર્ડ્સથી સન્માનિત પણ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે માર્ગ મકાન વિભાગ રાજ્ય ભરમાં ગામડાંથી લઈને શહેરોમાં 1 લાખ 29 હજાર કિ.મી. રોડ નેટવર્ક, 11 હજારથી વધુ પૂલો અને વિવિધ સરકારી ઈમારતોની જાળવણી-મરામત સાથે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં 18 હજારથી વધુ ગામો તેમજ 14 હજાર પરાંઓને આવરી લેવાની અવિરત કામગીરીમાં અહનિર્શ સેવારત છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ એ રાજ્યના વિકાસને ગતિ આપનાર, આપત્તિ કે ઇમરજન્સીના સમયે ત્વરિત પ્રતિસાદ આપતો તથા સરકારનો સૌથી જૂનો અને લોકપ્રિય વિભાગ છે. રસ્તાઓ અને પુલોના નિર્માણના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વનો ઉલ્લેખ કરતાં તેમણે શ્રીમદ્ ભગવત પુરાણમાં વર્ણવિત મહારાજા પૃથુ જેમણે પ્રથમ વાર સમતલ રસ્તાઓ બનાવ્યા, રામાયણ કાળના રામસેતુ અને શેરશાહ સૂરી દ્વારા નિર્મિત ગ્રાન્ડ ટ્રંક રોડ તેમજ રોડસાઇડ એમેનિટીઝના ઉદાહરણો આપી લોકસેવા ક્ષેત્રે માર્ગ માળખાકીય સુવિધાઓના સનાતન યોગદાનને વર્ણવ્યું હતું.
વિકાસની ભાવિ દિશા સ્પષ્ટ કરતાં મુખ્ય સચિવે જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગનું બજેટ ખૂબ ટૂંક જ સમયમાં જ રૂ. 12000 કરોડથી વધીને રૂ. 30000 કરોડ થયું છે. 'વિકસિત ગુજરાત @2047 'ના સંકલ્પને સાકાર કરવા રાજ્યની ઇકોનોમીને 3.5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યાંક સામે આગામી 20 વર્ષમાં અગાઉની સદીઓ કરતાં 11 ગણું વધુ નિર્માણ કાર્ય કરવાનું છે. આગામી સમયમાં હેવી ટ્રાફિક સામે રસ્તાઓ ઝડપી, ટકાઉ અને ગુણવત્તાસભર બને તે અત્યંત જરૂરી છે.
તેમણે 'ફ્રોમ ધ ગ્રાઉન્ડ અપ' અભિગમ અપનાવવા, ગ્રાઉન્ડ પ્રેઝન્સ વધારવા અને કોન્ટ્રાક્ટરો પાસેથી યોગ્ય કામગીરી લેવા તાકીદ કરી હતી. તેમણે આ શિબિરમાં ભાગ લઈ રહેલા તમામને હોદ્દાના ભેદભાવ વગર મુક્તપણે ચિંતન કરી વર્ષ 2047 માટે સ્પષ્ટ 'એક્શન પ્લાન' તૈયાર કરવા સૂચન કર્યું હતું.
માર્ગ અને મકાન વિભાગના સચિવ પી.આર.પટેલિયાએ સ્વાગત પ્રવચનમાં ચિંતન શિબિરની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, આ ચિંતન શિબિરમાં વિભાગની રૂટિન કામગીરીથી આગળ વધીને આત્મમંથન કરવું, નવીન વિચારો-ટેકનોલોજી પર ચર્ચા કરવી તેમજ 'વિકસિત ગુજરાત @2047 ફાસ્ટ, સેફ એન્ડ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ના લક્ષ્યને હાંસલ કરવાનો છે.
તેમણે કહ્યું કે, વિભાગમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો અને નવી પહલોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અધિકારીઓ માટે GPI-ગવર્નન્સ પરફોર્મન્સ ઈન્ડેક્સ અને કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મન્સ બેઝ્ડ રેટિંગ અને QCBS -ક્વોલિટી કંટ્રોલ બેઝ્ડ ઈવેલ્યુએશન સિસ્ટમ અમલી બનાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ટેન્ડર મંજૂરી પ્રક્રિયાની સમયમર્યાદા ઘટાડીને ઝડપી અમલીકરણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.
આ શુભારંભ સમારોહ પૂર્વે પ્રેરક વક્તા, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના ઉપાધ્યક્ષ તથા હરે કૃષ્ણ મંદિરના પૂજ્ય સંત રેયારામ દાસજી દ્વારા સૌ સહભાગીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જળ સંપત્તિ સચિવ પી.સી.વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના ખાસ સચિવ જે.એ.ગાંધી સહિત રાજ્યભરમાંથી માર્ગ અને મકાન વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ