મતદાર યાદી અને SIR પ્રક્રિયાના વિરોધમાં પાટણમા કોંગ્રેસના ધરણાં, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ
પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણા, SIR પ્રક્રિયા તેમજ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે આક્ષેપો સાથે પાટણ પ્રાંત કચેરી ખાતે રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ લોકશાહી અ
મતદાર યાદી અને SIR પ્રક્રિયાના વિરોધમાં પાટણમા કોંગ્રેસના ધરણાં, મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ


પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાર યાદી સુધારણા, SIR પ્રક્રિયા તેમજ ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે આક્ષેપો સાથે પાટણ પ્રાંત કચેરી ખાતે રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ લોકશાહી અને મતદારોના અધિકારોના રક્ષણની માંગ સાથે ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક અને ગેરરીતિમુક્ત બને તેવી રજૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના શ્રવણજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા.

રેલી સ્વરૂપે પ્રાંત કચેરી પહોંચેલા કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. ‘લોકશાહી બચાવો, મતદારનો અધિકાર બચાવો’ અને ‘લોકશાહી બચાવો-જ્ઞાનેશ હટાવો’ જેવા સૂત્રો સાથે કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી હતી. સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરવામાં આવી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આક્ષેપ કર્યો હતો કે વિવિધ રાજ્યોમાં SIR પ્રક્રિયા દરમિયાન 74 લાખ મતદારોના નામ દૂર કરી ફરી ઉમેરવામાં આવ્યા હતા. તેમણે આ પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવી સમગ્ર મામલે પારદર્શિતા જરૂરી હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા અગાઉ ચૂંટણી પંચને 14 વખત લેખિત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ કાર્યકરોએ ‘વોટ ચોર-ગાદી છોડ’ સહિતના સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રીય નેતૃત્વના આદેશથી પાટણમાં યોજાયેલા આ વિરોધ કાર્યક્રમ દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા અને મતદારોના અધિકારોનું રક્ષણ કરવાની માંગ કરવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હીના જંતરમંતર ખાતે યોજાયેલા વિરોધ કાર્યક્રમનો પણ કોંગ્રેસ દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande