
જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) :
જામનગર શહેર અને જિલ્લામાં વાતાવરણના પલટા સાથે ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા સવા માસ દરમિયાન કુલ 22 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડધામમાં મુકાયું છે. રોગચાળાને ડામવા તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન ડોર-ટુ-ડોર સર્વેલન્સ, પોરાનાશક અને ફોગિંગ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ વણસી રહી છે. છેલ્લા સવા મહિનાના આંકડા મુજબ જામનગર શહેરમાં 12 અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 10 કેસ મળીને ડેન્ગ્યુના કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેર વિસ્તારના કેસોનું વિશ્લેષણ કરવામાં આવે તો સપ્ટેમ્બર માસમાં 8 અને ઓક્ટોબર માસમાં પ્રારંભિક દિવસોમાં જ 4 કેસ સામે આવ્યા છે.
રોગચાળાને નિયંત્રણમાં લેવા આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આરોગ્ય કર્મચારીઓની ટીમો ઘરે-ઘરે મુલાકાત લઈ મચ્છરોના સંવર્ધન સ્થાનો શોધી રહી છે અને પોરાનાશક દવાનો છંટકાવ કરી રહી છે. આ ઉપરાંત વધુ અસરગ્રસ્ત લાગતા વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ધુમાડા મશીન વડે ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડેન્ગ્યુનો ફેલાવો રોકવા માટે જાગૃતિ અને સાવચેતી ખૂબ મહત્વની છે. આ રોગ ફેલાવતો એડીસ ઇજિપ્તી મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડા મૂકે છે. પરિણામે ઘરમાં કે આસપાસના કુલર, ફ્રિજની ટ્રે, ફૂલદાની, જૂના ટાયર અને ખુલ્લા પાત્રોની નિયમિત સફાઈ કરવી જોઈએ. સંગ્રહિત પાણીના વાસણો કે ટાંકી અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ખાલી કરી સૂકવવા અને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખવા હિતાવહ છે.
એડીસ મચ્છર મુખ્યત્વે દિવસ દરમિયાન જ કરડતો હોવાથી શરીર સંપૂર્ણ ઢંકાય તેવાં કપડાં પહેરવા જરૂરી છે. આ ઉપરાંત મચ્છર ભગાડતી ક્રીમ અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો હિતાવહ છે. જો અચાનક સખત તાવ, આંખના પાછળના ભાગમાં દુખાવો, સ્નાયુઓ-સાંધામાં અસહ્ય દુખાવો કે શરીર પર લાલ ચાંઠા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર તાત્કાલિક તબીબી સારવાર લેવી જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt