ગીર સોમનાથ જિલ્લામાં માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી
- રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટના અધ્યક્ષસ્થાને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત તાલીમ યોજાઈ. ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યભરમાં માહિતી અધિકાર સપ્તાહ - ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત, આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે તેન
ગીર સોમનાથ જિલ્લામાં માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી


- રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટના અધ્યક્ષસ્થાને માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત તાલીમ યોજાઈ.

ગીર સોમનાથ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યભરમાં માહિતી અધિકાર સપ્તાહ - ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત, આજે ગીર સોમનાથ જિલ્લા ખાતે તેની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે યોજાયેલ આ તાલીમમાં રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે ઉપસ્થિત રહી જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓને માહિતી અધિકાર અધિનિયમની ઉપયોગી માહિતી અને પ્રાવધાનોથી માહિતગાર કર્યા હતા.

આ તાલીમમાં રાજ્ય માહિતી આયોગના કમિશનર નિખિલ ભટ્ટે જણાવ્યું હતું કે, માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ દ્વારા સમાજના સામાન્ય માણસને પણ સરકારની કાર્યપદ્ધતિમાં વિશ્વાસ આવ્યો છે અને સમાજ અને સરકાર વચ્ચે પારદર્શિતાનો સેતુ બંધાયો છે.

રાજ્યનો સામાન્ય માણસ પણ આ કાયદા હેઠળ પોતાને વ્યક્તિગત રીતે સ્પર્શતી કોઈપણ માહિતી કોઈપણ કચેરી પાસેથી મેળવી શકે છે. સરકારના વિવિધ વિભાગો દ્વારા પણ નિયત સમય મર્યાદામાં તે માહિતી પૂરી પાડીને એક રીતે વ્યક્તિને જરૂરી માહિતી પૂરી પાડીને તેને ઉપયોગી બની શકાયું છે. જેના કારણે લોકોનો આ કાયદા પરનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

આ કાયદા અંતર્ગત પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિનિયમની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા તથા પ્રથમ અપીલ સંબંધિત કાર્યવાહી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, જાહેર કરી શકાય તેવી અને મુક્તિપ્રાપ્ત માહિતી, અરજીઓના સમયમર્યાદિત નિકાલ, સંબંધિત રેકોર્ડની જાળવણી તથા પારદર્શક વહીવટ અંગે પણ વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ માહિતી અધિકારના કાયદા અંગે જણાવ્યું હતું કે, જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ આ માહિતી અધિકાર કાયદાથી સુસજ્જ અને જાણકાર બને તે માટે ગીર સોમનાથ જિલ્લામાં આ અંગેની વિશદ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

અત્યાર સુધી માહિતી અધિકાર સપ્તાહની ઉજવણી ગાંધીનગર ખાતે કેન્દ્રીય ધોરણે કરવામાં આવતી હતી. પરંતુ, આ વખતે માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જિલ્લાના અધિકારીઓ પણ વાકેફ થાય તે માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, માહિતીનો અધિકાર અધિનિયમ-૨૦૦૫ ને ૨૦ વર્ષ થઈ રહ્યાં છે. માહિતી આયોગના સાથ સહયોગ અને માર્ગદર્શનથી આ કાયદાની રાજ્યભરમાં યોગ્ય અમલવારી થઈ રહી છે.

આ તાલીમમાં તાલીમાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નો અંગે નિષ્ણાતોએ જરૂરી છણાવટ સાથે વિસ્તૃત માહિતી આપી હતી.

આ કાર્યક્રમનો હેતુ સરકારી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા તેમજ RTI અધિનિયમનો અસરકારક અમલ સુનિશ્ચિત કરવાનો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, નાયબ વન સંરક્ષક ઉષમા નાણાવટી, પ્રાંત અધિકારીઓ, નાયબ પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત સંબંધિત વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ તથા અપીલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી જોડાયાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande