રાજકોટ : જસદણના વેપારીને ઈમીટેશનના ધંધામાં રોકાણ કરાવી રૂ.3.05 કરોડની ઠગાઈ
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : જસદણના મોબાઈલ સ્પેરપાર્ટ્સના વેપારીને ઈમીટેશન મેટલના ધંધામાં દર મહિને 10 થી 15 ટકા જંગી નફો અપાવવાની લાલચ આપી રાજકોટની પિતા-પુત્રોની ત્રિપુટીએ રૂ. 3.05 કરોડની માતબર રકમ મેળવી લીધી હતી. નાણાં પરત માગતાં જાનથી મારી નાખવાન
ફરિયાદ


રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : જસદણના મોબાઈલ સ્પેરપાર્ટ્સના વેપારીને ઈમીટેશન મેટલના ધંધામાં દર મહિને 10 થી 15 ટકા જંગી નફો અપાવવાની લાલચ આપી રાજકોટની પિતા-પુત્રોની ત્રિપુટીએ રૂ. 3.05 કરોડની માતબર રકમ મેળવી લીધી હતી. નાણાં પરત માગતાં જાનથી મારી નાખવાની અને પોતે ઝેર પી લેવાની ધમકી અપાતાં આખરે જસદણ પોલીસ મથકમાં અશોક મોલિયા અને તેના બે પુત્રો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાની વિગત મુજબ, જસદણની વૃંદાવન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય ભાવિકભાઈ ધીરૂભાઈ હીરપરા મોબાઈલ સ્પેરપાર્ટ્સનો વ્યવસાય કરે છે. આશરે પાંચ વર્ષ પહેલાં તેમના બહેનના ઘરે પ્રસંગોપાત મુલાકાત દરમિયાન સંબંધી અશોક મોહન મોલિયા સાથે તેમનો પરિચય થયો હતો. અશોક મોલિયાએ પોતાના બે પુત્રો નિકુંજ અને પ્રતીક ઈમીટેશન મેટલનો વ્યવસાય કરતા હોવાનું જણાવી તેમાં 10 થી 15 ટકા પ્રોફિટ મળતો હોવાની ગુલાબી લાલચ આપી ભાવિકભાઈને રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા હતા.

આરોપીઓના અતિશય વિશ્વાસમાં આવીને ભાવિકભાઈએ શરૂઆતમાં રૂ. 21 લાખ રોકડા આપ્યા હતા. ત્યારબાદ ધંધાના વિકાસ અને કાચો માલ ખરીદવાના નામે આરોપીઓએ વધુ નાણાંની માગણી ચાલુ રાખી હતી. ભાવિકભાઈએ અલગ-અલગ સમયે આંગડિયા મારફતે રૂ. 86.04 લાખ મળી કુલ રૂ. 1.07 કરોડની પોતાની જમાપૂંજી આરોપીઓને સોંપી દીધી હતી. આમ છતાં આરોપીઓની નાણાંની ભૂખ સંતોષાઈ નહોતી અને વધુ રકમની માગણી સતત ચાલુ રાખવામાં આવી હતી.

ત્યારબાદ કાચો માલ સસ્તો મળી રહ્યો હોવાનું બહાનું બતાવી વધુ એક કરોડ રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. ભાવિકભાઈએ તેમના વિશ્વાસમાં આવીને જસદણ સ્થિત પોતાનું મકાન ગીરો મૂકીને બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 1 કરોડની મોટી લોન લીધી હતી. આ લોનની રકમ પણ તેમણે રૂબરૂ જઈને નિકુંજ અને પ્રતીક મોલિયાને ફેક્ટરી ખાતે આપી દીધી હતી. ભાવિકભાઈને આશા હતી કે વેપારમાંથી મળનારા નફામાંથી લોનની ભરપાઈ સરળતાથી થઈ જશે.

આટલેથી ન અટકતાં ભાવિકભાઈએ પોતાના પિતા, કુટુંબી કાકાઓ તેમજ સગા-સંબંધીઓ પાસેથી પણ રકમ એકત્ર કરી હતી. તેમણે જમીન ધરાવતા સંબંધીઓને નફાની લાલચ આપીને તેમની પાસેથી રૂ. 97.96 લાખ મેળવ્યા હતા. આમ, પોતાની મરણમૂડી, મકાન પર લીધેલી લોન અને સગા-સંબંધીઓ પાસેથી ઉછીના લીધેલા નાણાં મળીને ભાવિકભાઈએ કટકે-કટકે કુલ રૂ. 3.05 કરોડ જેટલી માતબર રકમ અશોક મોલિયા અને તેના બે પુત્રોના હવાલે કરી દીધી હતી.

જ્યારે ભાવિકભાઈએ વારંવાર પોતાના રોકાણ પર નફાની માગણી કરી, ત્યારે આરોપીઓએ ત્રણ મહિનામાં લોન ભરાઈ જાય તેટલો નફો થઈ જશે તેવા ખોટા વાયદાઓ કર્યા હતા. ફેબ્રુઆરી 2025 માં અશોક મોલિયાએ પુત્ર નિકુંજ ઘર છોડીને ભાગી ગયો હોવાનું નાટક કર્યું હતું. બાદમાં કોઠારિયા રોડ પર આવેલી એક હોટેલ ખાતે બેઠક યોજાઈ હતી, જ્યાં રકમ સ્વીકારવા છતાં આરોપીઓએ ઉલટાનું દાદાગીરી કરી ધમકી આપી હતી કે જો હવે નાણાંની ઉઘરાણી કરશો તો હું દવાનો બાટલો પી લઈશ અને તને મારી નાખીશ.

વાસ્તવમાં કોરોના કાળ દરમિયાન ભાવિકભાઈ બીમાર પડ્યા ત્યારે આ પિતા-પુત્રો તેમની સંભાળ રાખીને ગાઢ પરિચયમાં આવ્યા હતા, જેથી ભાવિકભાઈને તેમના પર આંધળો વિશ્વાસ બેસી ગયો હતો. દોઢ વર્ષથી નાણાં પરત ન મળતાં ભાવિકભાઈએ આજીડેમ પોલીસ મથકે અરજી કરી હતી, પરંતુ આરોપીઓએ છટકબારી શોધી લીધી હતી. અંતે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સમક્ષ રજૂઆત કરાતાં, તેમના આદેશથી જસદણ પીઆઈ જે.પી. ગોસાઈ અને તેમની ટીમે અશોક મોલિયા, નિકુંજ મોલિયા અને પ્રતીક મોલિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande