
જુનાગઢ 08 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ અંતર્ગત બાગાયત વિભાગ, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ઓઈલ પામની ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની આવક વધારવાના હેતુથી ‘નેશનલ મિશન ઓન એડિબલ ઓઈલ્સ - ઓઈલ પામ’ (NMEO-OP) યોજના હેઠળ વિવિધ આર્થિક સહાય તથા સુવિધાઓ જાહેર કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ખેડૂતો માટે આ યોજના અંતર્ગત નીચે મુજબના મુખ્ય લાભો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે:
પ્લાન્ટિંગ મટીરીયલ્સમાં સહાય આપવામાં આવશે. જેમાં સ્વદેશી રોપાઓ માટે ₹૨૦,૦૦૦ પ્રતિ હેક્ટર અને આયાત કરેલ રોપાઓ માટે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ સાથે ₹૨૭,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ખેડૂત ખાતેદારની જમીન ધારણ મુજબ મળવાપાત્ર રહેશે. આ રોપાઓ ઓઈલપામ યોજના અંતર્ગત કાર્યરત માન્ય કંપનીઓની નર્સરીઓમાંથી મેળવવાના રહેશે. મેઈન્ટેનન્સ અને આંતરપાક માટે ઈનપુટ્સ ખર્ચ આપવામાં આવશે. ચાર વર્ષના ગેસ્ટેશન સમયગાળા દરમિયાન મેઈન્ટેનન્સ તથા આંતરપાક માટે ₹૪૨,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય મળશે.
ઈનપુટ ખર્ચ જેમ કે બિયારણ, ખાતર, IPM/INM, ફર્ટીગેશન, ટ્રી-ગાર્ડ/PP કેમિકલ્સ વગેરે પેટે ૭૫% ખર્ચ બિયારણ અને ખાતર માટે તથા બાકીના ૨૫% ખર્ચ પાક સંરક્ષણ માટે કરવાનો રહેશે. બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચરમાં NMEO-OP ની માર્ગદર્શિકા મુજબ ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ ₹૫૦,૦૦૦ પ્રતિ એકમની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.
લણણીના સાધનોમાં હાથથી ચાલતા ઓઈલપામ કટરમાં વધુમાં વધુ ₹૨,૫૦૦ સહાય, પ્રોટેક્ટિવ વાયર મેશ માટે વધુમાં વધુ ₹૨૦,૦૦૦ સહાય, મોટોરાઈઝડ ચીઝલમાં વધુમાં વધુ ₹૧૫,૦૦૦ સહાય, એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર/પોલ્સ માટે વધુમાં વધુ ₹૫,૦૦૦ સહાય, ચાફ કટરમાં વધુમાં વધુ ₹૫૦,૦૦૦ સહાય મળવાપાત્ર છે.
લણણીના સાધનોમાં ૨૦ HP સુધીના મીની ટ્રેક્ટર ટ્રોલી સાથે માટે ખર્ચના ૪૦% અથવા વધુમાં વધુ ₹૨,૦૦૦,૦૦૦ ની મર્યાદામાં સહાય મળશે. આ લાભ ૩ વર્ષથી ઉપરના ૦.૫૦ હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને મળવાપાત્ર રહેશે. જૂના તેલપામના બગીચાની ફેરરોપણી (Replanting of Old Garden) માં ૨૭-૩૦ વર્ષની ઉંમર પછીના જૂના બગીચા માટે ઉખાડી નાખવું, બદલવું અને નવો ખાડો ખોદવો વગેરેના ખર્ચના ૫૦% લેખે ₹૨૫૦ પ્રતિ છોડની મર્યાદામાં સહાય મળશે.
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે વિશેષ સુવિધાઓ અને માર્કેટ સુરક્ષા અંતર્ગત બાયબેક કરાર (Buyback Agreement) હેઠળ સરકાર દ્વારા માન્ય Pre Unique India Pvt Ltd કંપની સાથે ઓઈલપામ બંચ પ્રોડક્શન માટે બાયબેક કરાર કરવામાં આવેલ છે, જેથી ખેડૂતોને સુરક્ષિત માર્કેટ મળી રહે. તેમજ સરકાર દ્વારા દર વર્ષે ખરીદી ભાવ નક્કી કરવામાં આવે છે.
તેમજ વાવેતર કરેલ ગામના ૨૦ થી ૩૦ કિલોમીટરની અંદર જ કલેક્શન સેન્ટરની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઓઈલ પામની ખેતીથી જમીનની ઉત્પાદકતા, ખેડૂતોની આવક અને ગ્રામીણ વિકાસને વેગ મળશે. આ યોજનાનો લાભ મેળવવા અંગે વધુ માહિતી મેળવવા માટે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન, જૂનાગઢનો રૂબરૂ સંપર્ક અથવા ફોન નંબર ૦૨૮૫- ૨૬૩૫૦૧૯ પર કે પોતાના લગત તાલુકા કક્ષાના બાગાયત અધિકારીનો સંપર્ક સાધવો. તેમ નાયબ બાગાયત અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ