
જુનાગઢ, 08 ઓક્ટોબર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કપાસ સંશોધન કેન્દ્ર ખાતે “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ “કપાસની સંકર જાતો અને તેની DUS લાક્ષણિકતાઓ” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, કપાસ સંશોધન કેન્દ્રના અધિકારીઓ, કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કપાસ સંશોધન કેન્દ્રના ફાર્મ પર “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી માટે કપાસની ભલામણ કરેલ ટેકનોલોજીના બેનર્સ તેમજ સુત્રોચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમનાં ઉદ્ઘાટન સમારંભમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.વી.પી.ચોવટીયા, સંશોધન નિયામક ડૉ.એ.જી.પાનસુરીયા, કુલસચિવ ડો.વાય.એચ.ઘેલાણી, વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ, કપાસ સંશોધન કેન્દ્રના વડા ડૉ.એમ.જી.વળુ, યુનિટના અધિકારીઓ, કર્મચારીઓની ઉપસ્થિતિમાં આ “વિશ્વ કપાસ દિવસ” ની ઉજવણી અને તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમમાં “કપાસની સંકર જાતો અને તેની DUS લાક્ષણિકતાઓ” વિષય પર અત્રેના કેન્દ્રનાં જુદા-જુદા વૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાનો રાખવામાં આવ્યા હતા અને કપાસની હાલની પરિસ્થિતિમાં મૂંઝવતા પ્રશ્નોનું વૈજ્ઞાનિક ઢબે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કપાસ સંશોધન કેન્દ્નની સમગ્ર ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમ ડો.એન.બી.જાદવ, ડિરેક્ટર ઓફ એક્સ્ટેન્શન એજ્યુકેશન, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ