
જુનાગઢ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે નુતન યુનિ. કેમ્પસમાં સંચાલિત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલા વિવિધ પ્રકારના કલા, કૌશલ્ય અને સુષુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપીને યુવા પ્રતિભાઓનું સર્જનાત્મક કલા કૌશલ્ય નિખારવા સાથે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણનાં કેન્દ્રવર્તી વિચાર સાથે આઠમાં યુવક મહોત્સવ કલા ઉત્સવ-૨૦૨૬નો શુભ પ્રારંભ આવતીકાલે તારીખ ૦૯ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે થશે.
જેમાં નરસિંહ મહેતા યુનિ. કેમ્પસ ખાતે માળખાકીય સવલતોમાં વધારો થાય તેવા રેકોર્ડીંગ સ્ટુડીયોઝ, ગેસ્ટ હાઉસ , ક્મ્પ્યુટર સેન્ટર, વાઈલ્ડ લાઇફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ બિલ્ડીંગ, આર્કયોલોજી એન્ડ હીસ્ટ્રીટ લેગ્વેજીસ બિલ્ડીંગ, વાઈસ ચાન્સેલર બંગલોનું ભુમિ પુજન, સોલાર સિસ્ટમનું લોકાર્પણ કાર્ય યોજાનાર છે. આ પ્રસંગે ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિને શોભે તેવી કલા યાત્રા યુનિ.નાં માર્ગો પર વિહાર કરી સાંસ્કૃતિક અસ્મિતા અને પરંપરાનો પરિચય આપશે.
આ કલા મહોત્સવમાં યુનિ.નાં કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ જિલ્લા જેમ કે દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાની ૪૯ કોલેજોનાં ૧૦૧૦ જેટલા કલામર્મી વિદ્યાર્થીઓ અને સાથી સહયોગી મળીને સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત (તાલ વાઘ), શાસ્ત્રીય વાદ્ય સંગીત (સ્વરવાદ્ય), પશ્વિમી વાઘ સંગીત (વ્યક્તિગત), હળવું કંઠ્ય સંગીત (વ્યક્તિગત), પશ્વિમી કંઠ્ય સંગીત (વ્યક્તિગત), સમૂહગીત (ભારતીય), સમૂહગીત (પશ્વીમી), ભજન, દુહા, છંદ, લોકગીત, સમૂહ લોકવાધ સંગીત, નરસિંહ મહેતાના પદ ગાન યોજાશે.
આ ઉપરાંત નૃત્ય વિભાગમાં લોક નૃત્ય, આદિવાસી નૃત્ય, પ્રાચીન રાસ, શાસ્ત્રીય નૃત્ય, સાહિત્ય વિભાગ,. પ્રશ્ન મંચ, વકતૃત્વ કલા, ડીબેટ, શોર્ટ ફિલ્મ નિર્માણ, કાવ્ય પઠન સ્પર્ધાઓ યોજાશે. આ સાથે સાથે નાટય વિભાગમાં એકાંકી નાટક, લધુ નાટક, મુક અભિનય, મીમીક્રી સ્પર્ધા યોજાશે. તેમજ લલિત કલા વિભાગમાં તત્કાલ ચિત્ર સ્પર્ધા, રંગોલી, પોસ્ટર મેકિંગ, કાર્ટુનીંગ, કલે મોડેલીંગ, તત્કાલ છબીકલા, મહેંદી હરિફાઇ, ઇન્સ્ટોલેશન, કોલાઝ જેવી સ્પર્ધાઓમાં યુનિ.નાં વિદ્યાર્થીઓ કલા ઉત્સવના સુંદર માધ્યમ થકી સહભાગી બનશે. તેમ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ