
જૂનાગઢ, 08 ઓક્ટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ભેસાણ તાલુકાના ચુડા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. દરમિયાન કુલ ૧,૩૩૩ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે અલગ-અલગ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં આવક અને જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ, નવા રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે કમી કરવા તેમજ જરૂરી સુધારા કરાવવા, નવા આધારકાર્ડ માટેની કામગીરી તથા આધારકાર્ડમાં સુધારા, આયુષ્માન ભારત કાર્ડ, ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, જન્મ, મરણ અને લગ્ન નોંધણીના પ્રમાણપત્રો સહિતની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના તેમજ ખેતીવાડી અને પશુપાલન સહિતના વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મેળવવા માટેની સેવાઓ પણ ગ્રામજનોને એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સેવા સેતુ કાર્યક્રમ સાથે આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવતા નાગરિકોએ તેનો પણ લાભ લીધો હતો.
આ પ્રસંગે મામલતદાર આઈ. આર. પારગી સહિત સ્થાનિક આગેવાનો, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ