ઇન્સ્ટાગ્રામ પર ‘સસ્તું સોનું’ની જાળ બિછાવનાર પાંચ ઝડપાયા, રૂ.1.62 કરોડનો મુદ્દામાલ કબજે
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં સોશિયલ મીડિયા મારફતે સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લોકોને છેતરવાનો પ્રયાસ કરતી ટોળકીનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ખોટી ઓળખથી બનાવેલી આઈડી મારફતે સોનાના બિસ્કિટના ફોટા અને વીડિયો પોસ્
સસ્તા સોનાની જાળ બિછાવનાર ઝડપાયા


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભુજમાં સોશિયલ મીડિયા મારફતે સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી લોકોને છેતરવાનો પ્રયાસ કરતી ટોળકીનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ખોટી ઓળખથી બનાવેલી આઈડી મારફતે સોનાના બિસ્કિટના ફોટા અને વીડિયો પોસ્ટ કરી ગ્રાહકોને આકર્ષતા પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ.1.62 કરોડનો મુદ્દામાલ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પશ્ચિમ કચ્છમાં સોશિયલ મીડિયા દ્વારા સસ્તું સોનું, ચલણી નોટો તેમજ નાણાં બમણા કરી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સોશિયલ મીડિયા પર ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ‘madhav571’ નામની આઈડી અંગે પોલીસને માહિતી મળી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભુજના સુલતાન સુલેમાન કુંભાર અને બસીર હાસમ કાતીયર સહિતના ઇસમો આ આઈડીનો ઉપયોગ કરતા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે મહિલા આશ્રમ પાછળ આવેલા ગીતા કોટેજ નજીકના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી સુલતાન સુલેમાન કુંભાર, બસીર હાસમ કાતીયર, સાજીદ સુલેમાન કુંભાર, અસગર સુલેમાન કાતીયર અને ફહીમ અલીમામદ સોઢા મળી આવ્યા હતા.

પોલીસની પૂછપરછમાં બસીર હાસમ કાતીયરે ઇન્સ્ટાગ્રામ પરની ‘madhav571’ આઈડી પોતે બનાવ્યાનું અને તેમાં સોનાના બિસ્કિટના ફોટા તથા વીડિયો મૂક્યાનું જણાવ્યું હતું. આ માધ્યમથી બજારભાવ કરતાં ઓછા ભાવે સોનું આપવાની જાહેરાતો કરી લોકોનો સંપર્ક સાધી વિશ્વાસમાં લેવાનો અને ત્યારબાદ નાણાં પડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી હતી.

પોલીસે સ્થળ પરથી એક કિલો વજનના અસલી સોનાના 10 બિસ્કિટ, 15 નકલી સોનાના બિસ્કિટ, ક્રેટા કાર, ત્રણ ટુ-વ્હીલર, નવ મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ.1,62,44,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી પાંચેય આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande