બુઢારમોરા નજીક કાર અને બાઈક વચ્ચે ગંભીર ટક્કર બાદ દુધઈ 112ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ જિલ્લામાં અકસ્માતની ગંભીર ઘટનામાં દુધઈ પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ટીમે સમયસર પહોંચીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બુઢારમોરા ગામ નજીક હ્યુન્ડાઈ વેન્યુ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સ
બુઢારમોરા અકસ્માત કેસ


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છના ગાંધીધામ જિલ્લામાં અકસ્માતની ગંભીર ઘટનામાં દુધઈ પોલીસ સ્ટેશનની જનરક્ષક 112 ટીમે સમયસર પહોંચીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બુઢારમોરા ગામ નજીક હ્યુન્ડાઈ વેન્યુ કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઈક સવારને તાત્કાલિક મદદની જરૂરિયાત ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ દુધઈ 112માં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી વિલંબ કર્યા વિના સ્થળ તરફ દોડ લગાવી હતી.

અકસ્મતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિની સ્થિતિ નાજુક હોવાનું જણાતા એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે જનરક્ષક 112ના કર્મચારીએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી પ્રાથમિક મદદ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે દુધઈ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવતા ફરજ પરના તબીબોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. ઝડપી તબીબી સારવાર મળતાં અકસ્માત પીડિતનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

અકસ્મત જેવી કટોકટીની પરિસ્થિતિમાં દરેક ક્ષણ મહત્વની હોય છે. આવી સ્થિતિમાં પોલીસની જનરક્ષક 112 ટીમે ઘટનાસ્થળે પહોંચવામાં બતાવેલી તત્પરતા ઈજાગ્રસ્ત માટે નિર્ણાયક સાબિત થઈ હતી. અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોમાં પણ ઘટનાને લઈને ચિંતા જોવા મળી હતી, ત્યારે પોલીસ કર્મચારીની સમયસૂચક કામગીરીથી પીડિતને તાત્કાલિક સારવાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો.

આ કામગીરીની નોંધ પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારે ફરજ પરના પોલીસ કર્મચારીની કામગીરીને બિરદાવી હતી અને ભવિષ્યમાં પણ આવી જ સંવેદનશીલતા, સતર્કતા તથા ફરજ પ્રત્યેની નિષ્ઠા સાથે કામગીરી કરવા શુભેચ્છા પાઠવી હતી.

આ સમગ્ર બચાવ કામગીરી દુધઈ પોલીસ સ્ટેશનની જનરક્ષક 112માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામજીભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી. અકસ્માતની ક્ષણે પોલીસની તાત્કાલિક મદદ અને ત્યારબાદ સમયસર હોસ્પિટલ પહોંચાડવાની કામગીરીએ એક વખત ફરી સાબિત કર્યું કે કટોકટીના સમયે ઝડપી પ્રતિસાદ અનેક વખત જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande