તહેવારો પહેલાં દેશલપર-ગુંતલીમાં નાગરિકોની અનોખી પહેલ, હાથમાં ઝાડુ લઈ બજાર-રસ્તાઓ ચમકાવ્યા
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : દેશલપર (ગુંતલી) ગામમાં તહેવારોના આગમન પહેલાં સ્વચ્છતા જાળવવા માટે સ્થાનિક નાગરિકોએ સ્વયં આગળ આવી અનોખું અને પ્રેરણાદાયી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ગામના જાહેર માર્ગો અને બજાર વિસ્તારમાં ફેલાયેલી ગંદકી દૂર કરી સ્વચ્છ વાત
દેશલપર ખાતે સફાઈ


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : દેશલપર (ગુંતલી) ગામમાં તહેવારોના આગમન પહેલાં સ્વચ્છતા જાળવવા માટે સ્થાનિક નાગરિકોએ સ્વયં આગળ આવી અનોખું અને પ્રેરણાદાયી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ગામના જાહેર માર્ગો અને બજાર વિસ્તારમાં ફેલાયેલી ગંદકી દૂર કરી સ્વચ્છ વાતાવરણ ઊભું કરવાનો સંકલ્પ લઈને જાગૃત નાગરિકોએ શ્રમદાન કર્યું હતું. સરકારી તંત્રની રાહ જોયા વિના સ્થાનિક સ્તરે શરૂ કરાયેલી આ કામગીરીથી સ્વચ્છતા પ્રત્યેની સામૂહિક જવાબદારીનો સંદેશ પણ પ્રસરી રહ્યો છે.

દેશલપર-ગુંતલીમાં તહેવારોની તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે ગામના જાહેર વિસ્તારો સ્વચ્છ અને સુઘડ રહે તે માટે વ્યાપારી કુલદીપસિંહ જાડેજા સહિતના જાગૃત નાગરિકોએ સફાઈ કામગીરીનું આયોજન કર્યું હતું. આ અભિયાન દરમિયાન રસ્તાઓ, બજાર વિસ્તાર તેમજ આસપાસના જાહેર સ્થળોએ સફાઈ કરી કચરો દૂર કરવામાં આવ્યો હતો. ધોસમામદ જત, મહિપતસિંહ જાડેજા સહિતના સ્થાનિકોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈ શ્રમદાન કર્યું હતું.

સામાન્ય રીતે જાહેર સ્થળોની સફાઈ માટે સરકારી તંત્ર પર નિર્ભરતા જોવા મળે છે, પરંતુ દેશલપર-ગુંતલીના નાગરિકોએ પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવાની જવાબદારી જાતે સ્વીકારી છે. તહેવારો દરમિયાન ગામમાં લોકોની અવરજવર વધતી હોવાથી રસ્તાઓ અને બજાર વિસ્તાર સ્વચ્છ રહે તે જરૂરી બને છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાગરિકોએ સમય કાઢી સફાઈ કામગીરીમાં જોડાઈ અન્ય લોકો માટે પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નવરાત્રિ અને દિવાળી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગામનું વાતાવરણ સ્વચ્છ અને સુંદર રહે તે સૌની સામૂહિક જવાબદારી છે. જો દરેક વ્યક્તિ પોતાના ઘર અને તેની આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવાની શરૂઆત કરે તો તેની અસર સમગ્ર ગામ અને સમાજ પર જોવા મળી શકે છે.

દેશલપર-ગુંતલીમાં હાથ ધરાયેલા આ સ્વયંસેવી અભિયાનથી ‘મારું ગામ, મારી જવાબદારી’નો સંદેશ વધુ મજબૂત બન્યો છે. તહેવારોની ઉજવણી સાથે સ્વચ્છતાને પણ મહત્વ આપવાની આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande