નીલપર પોક્સો કેસમાં 9 દિવસ બાદ પણ ત્રણ આરોપી ફરાર, પોલીસ તપાસ સામે સવાલો
- મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ત્રણની શોધખોળ યથાવત્, આરોપીઓના મોબાઈલ બંધ હોવાની પોલીસની માહિતી કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાપર તાલુકાના નીલપર ગામની શાળામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપોને લઈને નોંધાયેલા પોક્સો કેસમાં ફરિયાદ થયાને નવ દિવસનો સમય વીતી
રાપર પોલીસ સ્ટેશન


- મુખ્ય આરોપીની ધરપકડ બાદ અન્ય ત્રણની શોધખોળ યથાવત્, આરોપીઓના મોબાઈલ બંધ હોવાની પોલીસની માહિતી

કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાપર તાલુકાના નીલપર ગામની શાળામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપોને લઈને નોંધાયેલા પોક્સો કેસમાં ફરિયાદ થયાને નવ દિવસનો સમય વીતી ગયો હોવા છતાં ત્રણ આરોપીઓ હજુ પોલીસ પકડથી બહાર છે. કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ સામે આવેલા શાળાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં નામજોગ અન્ય ત્રણ આરોપી પૂજા ગોહિલ, દિનેશ સંઘવી અને અનિરુદ્ધસિંહ જાડેજા હજુ ફરાર હોવાનું પોલીસ તરફથી જણાવાયું છે.

પોક્સો કાયદા હેઠળ નોંધાયેલ આ કેસ સગીરાના સંદર્ભમાં હોવાથી અત્યંત સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. મુખ્ય આરોપીની ધરપકડ થયા બાદ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન આરોપીઓ લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહેતાં તેમની શોધખોળ અને તપાસની ગતિ અંગે સ્થાનિક સ્તરે પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

રાપર પોલીસના જણાવ્યા મુજબ ફરાર આરોપીઓના મોબાઈલ ફોન હાલ બંધ આવી રહ્યા છે. પોલીસ ટીમ દ્વારા રાજકોટ ખાતે આવેલા તેમના રહેઠાણ ઉપરાંત ખારોઈ ખાતેના થેરાપી સેન્ટરમાં પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ બંને સ્થળેથી આરોપીઓ મળી આવ્યા નહોતા. પોલીસનું કહેવું છે કે ફરાર આરોપીઓને શોધી કાઢવા માટે સઘન તપાસ ચાલુ છે અને તેમને વહેલી તકે ઝડપી લેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

બીજી તરફ, સ્થાનિક સ્તરે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે ફરાર આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા હેઠળ આગોતરા જામીન મેળવવા માટે સમય મળી રહ્યો છે કે કેમ. જોકે, આ અંગે પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી આવા આક્ષેપોને હાલ માત્ર ચર્ચા અને દાવા તરીકે જ જોવામાં આવી રહ્યા છે.

કેસમાં સંભવિત પુરાવા સાથે કોઈ ચેડાં ન થાય અને તપાસ નિષ્પક્ષ રીતે આગળ વધે તે માટે ફરાર આરોપીઓની વહેલી ધરપકડ મહત્વપૂર્ણ બની રહી છે. સમગ્ર મામલે પીડિત પરિવાર અને સ્થાનિક લોકોમાં પણ આ કેસને લઈને ચિંતા જોવા મળી રહી છે. હવે પોલીસ દ્વારા ફરાર ત્રણેય આરોપીઓને ક્યારે ઝડપી પાડવામાં આવે છે અને તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande