
- અપહરણ અને પોક્સોના ગુનામાં ૧૦ વર્ષની સજા ભોગવતો આરોપી, પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી રાજકોટ જેલમાં મોકલ્યો.
કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહ્યા બાદ પેરોલ કે અન્ય રજાઓ દરમિયાન ફરાર થઈ ગયેલા કેદીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડને મહત્વની સફળતા મળી છે. અપહરણ અને પોક્સો સહિતના ગંભીર ગુનામાં ૧૦ વર્ષની સજા ભોગવી રહેલો અને પેરોલ રજા દરમિયાન જેલમાં પરત ફરવાને બદલે છેલ્લા બે વર્ષથી ફરાર રહેલો કેદી રાપર તાલુકાના માણાબા સીમ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮ દરમિયાન નોંધાયેલા ગુનામાં ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૬૬ અને ૩૭૬(૩) તેમજ પોક્સો એક્ટની કલમ ૪ અને ૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી ભરત પ્રવિણભાઈ ગઢવી ઉર્ફે ભાચરીયાને અદાલત દ્વારા સજા ફટકારવામાં આવી હતી અને તે રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.
દરમિયાન આરોપીને રાજકોટ જેલમાંથી સાત દિવસની પેરોલ રજા મંજૂર કરવામાં આવી હતી. પેરોલની મુદત પૂર્ણ થયા બાદ તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેને ફરજિયાતપણે રાજકોટ જેલમાં હાજર થવાનું હતું. જોકે, આરોપી નિર્ધારિત તારીખે જેલમાં પરત ફર્યો નહોતો અને ત્યારથી પોલીસની નજરથી બચીને ફરાર હતો.
પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓ તેમજ પેરોલ, ફર્લો અને વચગાળાના જામીન પરથી ફરાર થયેલા આરોપીઓને શોધી ઝડપી પાડવા ટીમોને સક્રિય કરવામાં આવી હતી. આ દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડે ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સ્ત્રોતોના આધારે આરોપી અંગે માહિતી એકત્રિત કરી હતી.
ચોક્કસ બાતમીના આધારે ટીમને જાણવા મળ્યું કે ફરાર આરોપી રાપર તાલુકાના માણાબા સીમ વિસ્તારમાં હાજર છે. માહિતીની ખરાઈ કર્યા બાદ ટીમે સ્થળ પર કાર્યવાહી કરી ભરત ગઢવીને ઝડપી લીધો હતો. ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને તેને રાજકોટ જેલમાં પરત મોકલી આપવામાં આવ્યો છે.
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક એ.વી. રાજગોરના સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. વાળાની આગેવાનીમાં હાથ ધરાઈ હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. પટેલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. ઝાલા સહિત પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફે કામગીરીમાં જોડાઈ ફરાર કેદીને ઝડપી પાડ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar