


કચ્છ, 08 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં ટીબીના સંપૂર્ણ નાબૂદીના લક્ષ્યને સાકાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જનભાગીદારીને કેન્દ્રમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ (NTEP) અંતર્ગત જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ ખાતે JOSH (Joint Squad for Health) Teamsના લોન્ચિંગ સાથે ટીબી મુક્ત ભારત અભિયાનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. યુવાનો, અધિકારીઓ અને વિવિધ વિભાગોની સંયુક્ત ભાગીદારીથી શરૂ કરાયેલી આ પહેલથી ટીબી અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરીને નવી દિશા મળવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત સવારે નવી દિલ્હી ખાતે યોજાયેલા JOSH Teamsના રાષ્ટ્રીય શુભારંભ કાર્યક્રમના જીવંત પ્રસારણથી થઈ હતી. ભારત મંડપમથી પ્રસારિત કાર્યક્રમમાં ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાન અને તેમાં યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. JOSH Teamsમાં Class-1 અધિકારીઓ સાથે MY Bharatના સ્વયંસેવકો તથા NCC કેડેટ્સને જોડવામાં આવ્યા છે. ટીમના સભ્યો ગામડાં અને શહેરી વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ ટીબીના લક્ષણો અંગે સમજણ આપશે તેમજ શંકાસ્પદ કેસમાં વહેલી તપાસ, નિદાન અને નિયમિત સારવાર માટે લોકોને પ્રેરિત કરશે.
પ્રથમ તબક્કામાં દેશના 11 રાજ્યોના 55 જિલ્લાઓમાં JOSH Teamsની કામગીરી શરૂ કરવામાં આવી છે. ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન જરૂરી સહયોગ મળે, રોગ અંગેના ભ્રમ દૂર થાય અને સમાજમાં દર્દીઓ પ્રત્યે ભેદભાવ ઘટે તે માટે પણ ટીમો દ્વારા વિવિધ જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
ત્યારબાદ જિલ્લા પંચાયત કચ્છ-ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ-મોરબી લોકસભા સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ, MY Bharat તથા NCCના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
ટીબી મુક્ત કચ્છ માટેના યોગદાન બદલ પ્રભાબેન હુણનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કરાયું હતું. જ્યારે ટીબી દર્દીઓને પોષણ સહાય અને અભિયાનમાં સહયોગ બદલ વિનોદ ચાવડા તથા આશાપુરા NGOને નિક્ષય મિત્ર તરીકે પ્રમાણપત્ર એનાયત કરાયું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ ટીબી મુક્ત ભારતની શપથ લઈ વહેલું નિદાન, નિયમિત સારવાર, જનજાગૃતિ અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલ વલણ જાળવવાનો સંકલ્પ કર્યો હતો. કચ્છને ટીબી મુક્ત બનાવવા સરકારી પ્રયાસો સાથે સમાજ અને યુવાનોની ભાગીદારી વધારવા પર ભાર મૂકાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar