
મહેસાણા, 8 ઓક્ટોબર (હિ.સ.) વિજાપુર તાલુકાના આસોડા ગામમાં રહેણાંક વિસ્તાર, ઉત્તર વેદનાથ મહાદેવ મંદિર અને જાહેર રસ્તાની નજીક આવેલા સમાધિ સ્થળનો મુદ્દો તાલુકા પંચાયત સુધી પહોંચ્યો છે. આ અંગે તરુણ પટેલ, એડવોકેટ અને RTI એક્ટિવિસ્ટ રાઠોડ રમેશસિંહ, પિયુષ ઓઝા તથા દશરથભાઈ પટેલ દ્વારા સત્તાવાર રજૂઆત કરીને સ્થળ તપાસની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, સમાધિ સ્થળની નજીક મંદિર, ગ્રામજનો ઉપયોગ કરે છે તેવી અનાજ દળવાની ઘંટી, ખેતરો અને વડાસણ તરફ જતો જાહેર રસ્તો આવેલો છે. આ રસ્તેથી બાળકોની પણ અવરજવર થતી હોવાથી આસપાસના રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
રજૂઆત કરનારાઓએ જણાવ્યું છે કે આ મુદ્દો કોઈ વ્યક્તિ કે સમાજની ધાર્મિક લાગણી વિરુદ્ધ નથી, પરંતુ જાહેર હિત અને ગ્રામજનોની સુવિધા સાથે જોડાયેલો છે.
તેમણે તંત્ર સમક્ષ સ્થળ તપાસ, જમીનના રેકોર્ડ અને માલિકીની ચકાસણી, રસ્તાની માપણી તથા ગ્રામ પંચાયતના ઠરાવોની તપાસ કરવાની માંગ કરી છે. ગ્રામજનોની હાજરીમાં સુનાવણી યોજવા અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નવા બાંધકામ કે વિસ્તરણ અટકાવવા પણ રજૂઆત કરવામાં આવી છે. ગામમાં અન્યત્ર યોગ્ય જગ્યા ઉપલબ્ધ હોય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR