



જામનગર, 04 ઓક્ટોબર (હિ.સ.) : નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી હોવાથી જામનગરમાં ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના બજારોમાં ટ્રેડિશનલ લૂકમાં આધુનિકતા ઉમેરતી ખાસ કરીને ‘વનતારા’ થીમ આધારિત ચણિયાચોળી અને કેડિયાની ખરીદી માટે ભીડ જામી છે. વેપારીઓ અને યુવાનો નવે-નવ દિવસ યુનિક લૂક મેળવવાની તૈયારીઓમાં લાગી ગયા છે.
આસો નવરાત્રી પર્વ નજીક આવતા જ છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરમાં ખેલૈયાઓ ગરબાના તાલ પર ઝૂમવા માટે તૈયારીઓમાં લાગી ગયા છે. યુવાધનમાં ગરબા રાસ માટે ટ્રેડિશનલ પોશાક ખરીદવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. શહેરના સ્થાનિક બજારો અત્યારથી જ નવરાત્રી ખરીદી માટે ખેલૈયાઓની અવરજવરથી ધમધમી ઉઠ્યા છે.
આ વર્ષે જામનગરના કાપડ માર્કેટમાં 'વનતારા' થીમ આધારિત ચણિયાચોળી અને ટ્રેડિશનલ વસ્ત્રોનું નવું કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પરંપરાગત આભલા કામ અને હસ્તકલાની સાથે પ્રકૃતિ તેમજ વન્યજીવો જેવા કે હાથી, વાઘ અને હરણની ડિઝાઇનવાળા ગરબા ડ્રેસ યુવાનોની પ્રથમ પસંદગી બની રહ્યા છે.
શહેરના પ્રખ્યાત શોપિંગ વિસ્તારોમાં યુવાનો પોતપોતાના લૂકને ખાસ બનાવવા માટે મેચિંગ જ્વેલરી અને ડ્રેસનું કસ્ટમાઇઝેશન પણ કરાવી રહ્યા છે. નવરાત્રીના નવે-નવ દિવસ અલગ અને યુનિક સ્ટાઇલ મેળવવા માટે ખેલૈયાઓ વસ્ત્રો અને ઘરેણાંની પસંદગીમાં વિશેષ ધ્યાન આપી રહ્યા છે.
પરંપરાગત પોશાકોની ખરીદીમાં માત્ર મહિલાઓ કે યુવતીઓ જ નહીં પરંતુ યુવકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. ભાઈઓ માટે પણ આ વખતે યુનિક થીમ આધારિત કુર્તા, કેડિયા અને વિશેષ ડીઝાઇનર કલેક્શન બજારમાં ઉપલબ્ધ બનતા તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે.
છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વખતે ટ્રેડિશનલ ડ્રેસિસમાં અનેક નવી વેરાયટીઓ માર્કેટમાં પ્રવેશી છે. જામનગરના કાપડ અને જ્વેલરી માર્કેટમાં કરોડો રૂપિયાનો વેપાર થવાની શક્યતાઓને પગલે સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં ભારે ઉત્સાહ અને રોનક જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt