જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળના બીજા દિવસે રામધૂન બોલાવી પ્રદર્શન કરાયું
જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓના ૨૬૦થી વધુ મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીઓના નિરાકરણ માટે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળના બીજા દિવસે લાલબંગલા સ્થિત જૂની કલેક્ટર કચેરી પાસે શાંતિપૂર્ણ રીતે ધરણાં પ્રદ
મહેસૂલી કર્મચારીઓની હડતાલનો બીજો દિવસ


જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) :

જામનગર શહેર અને જિલ્લાની સરકારી કચેરીઓના ૨૬૦થી વધુ મહેસૂલી કર્મચારીઓ પડતર માંગણીઓના નિરાકરણ માટે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળના બીજા દિવસે લાલબંગલા સ્થિત જૂની કલેક્ટર કચેરી પાસે શાંતિપૂર્ણ રીતે ધરણાં પ્રદર્શન યોજી કર્મચારીઓએ રામધૂન બોલાવી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.

લાલબંગલા સ્થિત જૂની કલેક્ટર કચેરી પાસે મહેસૂલી કર્મચારી મંડળની કચેરી નજીક બે અલગ-અલગ છાવણીઓ ઊભી કરવામાં આવી છે. જેમાં એક છાવણીમાં મહિલા કર્મચારીઓ અને બીજી છાવણીમાં પુરુષ કર્મચારીઓ હાથમાં બેનર અને પોસ્ટરો સાથે ધરણાં પર બેઠા છે. કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓનો વહેલી તકે ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે.

હડતાળના બીજા દિવસે સવારે ૧૧થી બપોરે ૧ વાગ્યા દરમિયાન જૂની કલેક્ટર કચેરી ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કર્મચારીઓએ રામધૂન બોલાવીને સરકારનું ધ્યાન પોતાની પડતર માંગણીઓ તરફ દોરવા પ્રયાસ કર્યો હતો.

ત્યારબાદ બપોરે ૪થી ૫ વાગ્યા દરમિયાન મહેસૂલી કર્મચારીઓએ શ્રી બાલા હનુમાન મંદિર ખાતે પહોંચીને રામધૂનનો પાઠ કર્યો હતો. મહેસૂલ વિભાગ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓ ધ્યાને લેવામાં આવે અને હડતાળનો વહેલી તકે સુખદ અંત આવે તે માટે કર્મચારીઓએ પ્રાર્થના કરી હતી.

મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ-૩ના જણાવ્યા મુજબ, જામનગરમાં ૨૬૦થી વધુ સરકારી કર્મચારીઓ આ અનિશ્ચિત મુદતની હડતાળમાં જોડાયા છે. હડતાળ દરમિયાન કોઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું નથી અને કર્મચારીઓ દ્વારા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે ધરણાં તથા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande