
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં આવેલ વ્રજ હાઇટ્સમાં પિયરમાં રહેતા ૩૧ વર્ષીય માયાબેન બરાસરાએ પોતાના પતિ બ્રિજેશ બરાસરા અને સાસુ શારદાબેન સામે ગંભીર શારીરિક-માનસિક ત્રાસ અને મારપીટ અંગે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગર્ભાવસ્થા દરમિયાન પતિ દ્વારા કરવામાં આવેલી અમાનુષી મારપીટને કારણે ગર્ભમાં રહેલા બાળકનું મોત નિપજ્યું હોવાનો અત્યંત હૃદયદ્રાવક આરોપ મુકવામાં આવ્યો છે.
માયાબેનના લગ્ન ફેબ્રુઆરી ૨૦૨૪માં મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને હાલ ઘુનડા સજ્જનપર ખાતે રહેતા બ્રિજેશ બરાસરા સાથે થયા હતા. લગ્નના શરૂઆતના બે મહિના બાદ સાસુ શારદાબેન દ્વારા પતિની કાનભંભેરણી કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. સાસુ અને પતિ દ્વારા નાની-નાની બાબતો તેમજ ઘરકામ અંગે મેણા-ટોણા મારીને, તૂ તારા બાપના ઘરે જતી રહે કહીને અવારનવાર અપશબ્દો બોલી શારીરિક અને માનસિક શોષણ કરવામાં આવતું હતું. પરિણીતા પોતાનું ઘર સાચવવા આ તમામ અત્યાચાર મુકપ્રેક્ષક બનીને સહન કરતી રહી હતી.
સાસરિયાઓનો આ ત્રાસ ત્યારે પરાકાષ્ઠાએ પહોંચ્યો જ્યારે માયાબેન આઠ મહિનાના ગર્ભવતી હતા. નવેમ્બર ૨૦૨૫ દરમિયાન સાસુની ચઢામણીથી પતિ બ્રિજેશે ગર્ભવતી પત્ની સાથે તીવ્ર ઝઘડો કરીને ઢીકાપાટુનો નિર્મમ માર માર્યો હતો. આ અમાનુષી મારપીટના કારણે પીડિતાને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતાં તેમને તાત્કાલિક મોરબીની શુભમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ ગંભીર જણાતાં તબીબોએ ઇમરજન્સી સિઝેરિયન કર્યું હતું, પરંતુ મારપીટની ગંભીર અસરને કારણે જન્મ થતાં જ નવજાત બાળકની મૃત્યુ થયું હતું.
આ કરુણ ઘટના બાદ પણ સાસરિયાઓના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો. બનાવ અંગે પિયર પક્ષને ન જણાવવા માટે પતિ દ્વારા છૂટાછેડા આપી દેવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં માર્ચ ૨૦૨૬માં પતિએ ફરીથી તીવ્ર ઝઘડો કરી માયાબેનને ઢીકાપાટુનો માર મારી બટકા ભર્યા હતા અને પિયર મૂકી આવ્યા હતા. વડીલો વચ્ચે બેઠક યોજી મોરબી ખાતે અલગ રહેવાનું નક્કી કરી સમાધાન કરાવવામાં આવ્યું હોવા છતાં, જૂન ૨૦૨૬માં પતિએ પુનઃ મારઝૂડ કરતાં પરિણીતા આખરે પિયર પરત ફરવા મજબૂર બન્યા હતા.
સતત શારીરિક અને માનસિક અત્યાચારથી કંટાળીને પરિણીતાએ પ્રથમ ફેમિલી કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ દાખલ કર્યો હતો. આખરે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ બ્રિજેશ ભરતભાઈ બરાસરા અને સાસુ શારદાબેન ભરતભાઈ બરાસરા વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt