
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ શહેર-જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ ગૌરવ ખીમસૂરિયા દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલી એસઆઈઆર પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓ, છબરડા અને પારદર્શિતાના અભાવ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. લોકશાહીના મૂલ્યો અને બંધારણીય સંસ્થાઓની સ્વતંત્રતા જાળવવા માટે આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે.
તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી તથા ઈન્ડિયા ગઠબંધનના અન્ય સાંસદો દ્વારા ચૂંટણી પંચ સમક્ષ શાંતિપૂર્ણ રજૂઆત કરવા દરમિયાન થયેલા દુર્વ્યવહાર અને બળપ્રયોગ સામે એનએસયુઆઈ એ કડક વિરોધ નોંધાવ્યો છે. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર થયેલો આ હુમલો એ દેશના બંધારણ અને લોકશાહી વ્યવસ્થા પર પ્રહાર સમાન છે.
ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને જવાબદેહી દેશ માટે અનિવાર્ય છે. વિરોધ કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈ દ્વારા લોકશાહી બચાવવા, બંધારણીય સંસ્થાઓની સ્વાયત્તતા અને ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા જાળવવાની ઉગ્ર માંગણીઓ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારને લોકશાહી વિરોધી હુમલાઓ બંધ કરવા અપીલ કરતાં એનએસયુઆઈ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિદ્યાર્થીઓના હિતો, બંધારણ અને લોકશાહીની રક્ષા માટે સતત સંઘર્ષ ચાલુ રાખશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt