રાજકોટની કટારિયા ચોકડીનું ડાયવર્ઝન અને નવરાત્રી: ટ્રાફિક સમસ્યા નિવારવા કોંગ્રેસની ડીસીપીને રજૂઆત
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર આવેલા કટારિયા ચોકડી ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજને કારણે હાલમાં ડાયવર્ઝન અમલમાં છે. આગામી નવરાત્રી દરમિયાન આ વિસ્તારમાં અનેક મોટા ગરબા મહોત્સવ યોજાવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં ટ્ર
કોંગ્રેસ ના આગેવાનો ની રજુઆત


રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટના કાલાવડ રોડ અને રિંગ રોડ-૨ પર આવેલા કટારિયા ચોકડી ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજને કારણે હાલમાં ડાયવર્ઝન અમલમાં છે. આગામી નવરાત્રી દરમિયાન આ વિસ્તારમાં અનેક મોટા ગરબા મહોત્સવ યોજાવાના હોવાથી રાત્રિના પીક અવર્સમાં ટ્રાફિકનું ભારે ભારણ વધવાની શક્યતા સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રોહિતસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના યુવા આગેવાનોએ ટ્રાફિક ડીસીપીને રૂબરૂ મળીને આગોતરું આયોજન કરવા રજૂઆત કરી હતી.

રજૂઆત દરમિયાન જણાવાયું હતું કે નવરાત્રી દરમિયાન એકસાથે આશરે 10,000થી વધુ વાહનોનો પ્રવાહ રસ્તા પર આવવાની શક્યતા છે, જેના કારણે ડાયવર્ઝન રૂટ પર વાહનોની લાંબી કતારો સર્જાઈ શકે છે. ટ્રાફિક જામ થયા પછી પગલાં લેવાને બદલે અત્યારથી જ સમગ્ર રૂટનું સ્થળ પર પરીક્ષણ કરી આયોજન કરવું જરૂરી છે. આ માટે તમામ મોટા ગરબા સ્થળો તેમજ આસપાસના કેફે, રેસ્ટોરન્ટ અને વ્યવસાયિક એકમોનું ટ્રાફિક અને પાર્કિંગ ઓડિટ કરવાની માંગ કરવામાં આવી છે.

કોંગ્રેસના આગેવાનોએ નવરાત્રીના આયોજકો સાથે ટ્રાફિક પોલીસની ખાસ બેઠક યોજવાની માંગ રી છે, જેથી એન્ટ્રી-એક્ઝિટ, ચોક્કસ રૂટ અને પાર્કિંગ અંગે ખેલૈયાઓને અગાઉથી માહિતગાર કરી શકાય. નવમ, રાસ વિલા, તાલ, ખોડલધામ અને યુવી ક્લબ જેવા મોટા આયોજનોને કારણે ટ્રાફિક જંકશનો પર ભીડ ન થાય તે માટે આયોજકો અને નાગરિકોની સહભાગિતાથી સંકલિત ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવી અનિવાર્ય બની રહે છે.

વિશેષરૂપે કટારિયા ચોકડી, મુંજકા ચોકડી, પરસાણા ચોક, કે.કે.વી. હોલ અને સ્પીડવેલ ચોક જેવા સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિના સમયે વધારાના ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડિયરોની તૈનાતી માટે માંગણી કરાઈ છે. જ્યાં જરૂર જણાય ત્યાં બેરીકેટિંગ, સાઇનેજ, સ્ટોપ પોઈન્ટ તથા સમય આધારિત વન-વે ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવાની રજૂઆત પણ ટ્રાફિક વિભાગ સમક્ષ કરવામાં આવી છે.

અંતમાં આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવરાત્રી રાજકોટનો લોકપ્રિય ઉત્સવ હોવાથી ટ્રાફિક જામ થયા પછીની વ્યવસ્થા નહીં પરંતુ જામ થાય જ નહીં તેવું આગોતરું આયોજન કરવું જોઈએ. આ માટે પોલીસે આયોજકો સાથે મળી પત્રકાર પરિષદ યોજી જનજાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ અને નાગરિકોને નિયત પાર્કિંગ તથા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવી જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande