

પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ-ચાણસ્મા હાઈવે પર સંખારી ત્રણ રસ્તાથી રાજપુર તરફ જતા માર્ગની એક તરફની હાલત છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર બની છે. રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા અને તિરાડો પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ જિલ્લા મથક હોવાથી ચાણસ્મા અને હારીજ તરફથી રોજ મોટી સંખ્યામાં લોકો અને વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. સંખારી નજીકના માર્કેટયાર્ડમાં પાકનું વેચાણ કરવા આવતા ખેડૂતો પણ આ માર્ગનો ઉપયોગ કરતા હોવાથી અહીં દિવસ-રાત ભારે વાહનવ્યવહાર રહે છે.
રસ્તા પરના મોટા ખાડાથી બચવા માટે વાહનચાલકોને અચાનક દિશા બદલવી પડે છે, જેના કારણે ખાસ કરીને ટુ-વ્હીલરચાલકોનું સંતુલન બગડવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા વધી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ માર્ગ પર મોટા ખાડા પડ્યા હતા અને હવે ફરીથી રસ્તાની સ્થિતિ ખરાબ બની છે. વ્યસ્ત માર્ગ હોવા છતાં સમયસર સમારકામ નહીં થતાં વાહનચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.
સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે રસ્તા પરના મોટા ખાડા પૂરી પેચવર્ક અથવા માર્ગનું નવિનીકરણ કરવાની માંગ કરી છે. વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને માર્ગનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે માર્ગની હાલત વધુ ખરાબ થાય તે પહેલાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતની શક્યતા ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ