
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) :
રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૬૧મો પદવીદાન સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ સમારંભમાં ૧૬ વિદ્યાશાખાના કુલ ૪૫,૯૨૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૧૫ વિદ્યાર્થીઓને કુલ ૧૩૨ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા, જેમાં ૧૦૫ ગોલ્ડ મેડલ મેળવીને વિદ્યાર્થીનીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતાં જ હવે રાષ્ટ્ર નિર્માણની જવાબદારી નિભાવવાનો સમય આવી ગયો છે. સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવું એ જ શિક્ષિત હોવાનું સાચું પ્રમાણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં રોડ, રેલવે, વંદે ભારત અને બુલેટ ટ્રેન જેવા માળખાકીય ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે, સાથે જ ભારત હવે સ્પેસ, ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે નિકાસકાર દેશ બની રહ્યો છે.
શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ યુવાનોને ભારતના ભવિષ્યના નિર્માતા ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિના અમલથી શિક્ષણને જીવનલક્ષી અને કૌશલ્યલક્ષી બનાવવામાં આવ્યું છે. રાજ્યપાલના નેતૃત્વમાં ચાલી રહેલા પ્રાકૃતિક ખેતીના અભિયાનને બિરદાવતાં તેમણે સોશિયલ મીડિયાનો સકારાત્મક અને ઉપયોગી બાબતો માટે જ ઉપયોગ કરવા યુવાનોને અનુરોધ કર્યો હતો.
બેંગલુરુના જવાહરલાલ નહેરુ સેન્ટર ફોર એડવાન્સ્ડ સાયન્ટિફિક રિસર્ચના પ્રોફેસર કે. એસ. નારાયણે ડિગ્રી મેળવવાની પ્રક્રિયાને એક નવી શરૂઆત ગણાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, 'વિકસિત ભારત-૨૦૪૭'ના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અત્યંત નિર્ણાયક રહેશે. યુપીઆઈ અને સ્ટાર્ટઅપના લીધે ભારત હવે નવી ટેક્નોલોજીનું સર્જન અને નેતૃત્વ કરી રહ્યું છે. તેમણે યુવાનોને એ.આઈ. અને ડિજિટલ ક્ષેત્રે નિપુણતા મેળવવાની સાથે માનવીય મૂલ્યો પણ જાળવી રાખવાની અપીલ કરી હતી.
યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશીએ સ્વાગત પ્રવચન કરી સંસ્થાની સિદ્ધિઓ રજૂ કરી હતી, જ્યારે પરીક્ષા નિયામક ડો. ધીરેનભાઈ પંડ્યાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં ૧૪૫ વિદ્યાર્થીઓને ૨૨૭ પ્રાઈઝ એનાયત કરાયા હતા. સમારંભમાં જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, DDO અનંદુ સુરેશ ગોવિંદ, કુલસચિવ ડો. અજયસિંહ જાડેજા સહિત યુનિવર્સિટીનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt