
ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના નેપ ગામના યુવા બોક્સર મકવાણા વિવેકભાઈએ પોતાની મહેનત, સંઘર્ષ અને રમત પ્રત્યેના જુસ્સાથી બોક્સિંગ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરી છે. સામાન્ય પરિવારના વિવેકભાઈએ અત્યાર સુધી વિવિધ કક્ષાની બોક્સિંગ સ્પર્ધાઓમાં કુલ નવ જેટલા મેડલ જીતી પરિવાર સહિત નેપ ગામ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
વિવેકભાઈના પિતા છૂટક મજૂરી તેમજ હીરા ઘસવાનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ વિવેકભાઈએ રમત પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો હતો. નાનપણથી જ રમતગમતમાં રસ ધરાવતા વિવેકભાઈએ સ્થાનિક સ્પર્ધાઓથી શરૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા સાબિત કરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવ્યું.
આંતરરાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં તેમણે એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ એક ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ પાંચ મેડલ મેળવી કુલ નવ મેડલ પોતાના નામે કર્યા છે.
વિવેકભાઈ દરરોજ ચારથી છ કલાક બોક્સિંગની પ્રેક્ટિસ કરે છે. ફિટનેસ, ઝડપ, ટેકનિક અને સ્ટેમિના સુધારવા સાથે કોચના માર્ગદર્શન હેઠળ નિયમિત તાલીમ અને યોગ્ય આહારનું પાલન કરે છે. પિતાની મહેનત અને પરિવારના સહકારને પ્રેરણા બનાવી તેઓ ભવિષ્યમાં વધુ આંતરરાષ્ટ્રીય મેડલ જીતવાનું સપનું જોઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA