
ભાવનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગરની બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાની વોલીબોલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. વડોદરા ખાતે ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ફોર ધ ડેફ દ્વારા મુક-બધિર મંડળના સહયોગથી ભાઈઓ અને બહેનો માટે રાજ્યકક્ષાની વોલીબોલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.
આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં 18 વર્ષથી વધુ વયજૂથમાં ભાવનગરની બહેનોની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટીમે સમગ્ર સ્પર્ધા દરમિયાન ઉત્તમ સંકલન, આત્મવિશ્વાસ અને ટીમવર્ક દર્શાવી ફાઇનલ સુધીની સફર ખેડી હતી. ફાઇનલ મુકાબલામાં શાનદાર રમત બાદ ટીમ રનર્સઅપ રહી હતી.
આ ઉપરાંત અંડર-18 વિભાગમાં ભાવનગરની બહેરા-મૂંગા શાળાના ભાઈઓની ટીમે પણ ઉત્કૃષ્ટ રમત દાખવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ખેલાડીઓએ વિવિધ મેચોમાં મક્કમ રમત અને શ્રેષ્ઠ ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું.
બંને ટીમોની આ સફળતા પાછળ ખેલાડીઓની નિયમિત પ્રેક્ટિસ, સતત મહેનત અને રમત પ્રત્યેનો લગાવ મહત્વપૂર્ણ રહ્યો છે. આ સિદ્ધિ અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. યોગ્ય માર્ગદર્શન અને તક મળે તો દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી શકે છે તે આ સફળતાએ સાબિત કર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA