રાજકોટની ભાગોળે કાળીપાટ ગામમાં ચાર બહેનોના એકના એક ભાઈનો એસિડ પી આપઘાત
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ નજીક આવેલા કાળીપાટ ગામમાંથી એક ગંભીર અને અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 26 વર્ષીય યુવક રવિ લાલજીભાઈ મેરે પોતાના ઘરે અકળ કારણોસર એસિડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ચાર-ચાર બહ
ઝેરી દવા


રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ નજીક આવેલા કાળીપાટ ગામમાંથી એક ગંભીર અને અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. ગામમાં રહેતા 26 વર્ષીય યુવક રવિ લાલજીભાઈ મેરે પોતાના ઘરે અકળ કારણોસર એસિડ ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. ચાર-ચાર બહેનોના એકના એક વહાલસોયા ભાઈના આકસ્મિક નિધનથી સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને આખા ગામમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી વિગતો મુજબ, મૃતક રવિ મેર ઘરે બેસીને ઇમિટેશન જ્વેલરી બનાવવાનું મજૂરી કામ કરતો હતો અને પરિવારનો મુખ્ય આધારસ્તંભ હતો. બનાવના દિવસે જ્યારે ઘરના નીચેના રૂમમાં તેમની માતા, પત્ની અનિતાબેન અને બાળકો હાજર હતા, ત્યારે રવિભાઈએ ઉપરના રૂમમાં જઈને અચાનક એસિડ પી લીધું હતું. યુવકની તબિયત લથડતા જ પરિવારજનો તેને તુરંત ત્રંબાની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાંથી વધુ ગંભીર હાલતમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટૂંકી જિંદગી સામેનો જંગ હારી જતાં યુવકે મોડી રાત્રે દમ તોડ્યો હતો. આ ઘટના અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એચ. આર. ટારીયા અને તેમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. પોલીસે જરૂરી કાયદાકીય કાગળો તૈયાર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કરી હતી.

આ કરૂણ બનાવને કારણે બે નાદાન માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. રવિભાઈને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર છે, જ્યારે બીજો પુત્ર માત્ર સવા મહિનાનો જ છે. પોતાના પિતા હવે આ દુનિયામાં રહ્યા નથી તે વાતથી અજાણ આ બાળકોની કલ્પાંત ભરેલી સ્થિતિ જોઈને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. રવિભાઈના પિતા લાલજીભાઈ પણ સ્થાનિક કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા.

યુવકે કયા કારણોસર આટલું આત્યંતિક પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. પરિવારજનો પણ આ બનાવ પાછળનું સાચું કારણ જાણી શક્યા ન હોવાથી આજીડેમ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વિવિધ દિશામાં વધુ તપાસ યથાવત રાખી છે. એકના એક કમાઉ દીકરા અને ભાઈના અચાનક વિદાયથી મેર પરિવારમાં ભારે કરૂણાંતિકા સર્જાઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande