જામનગરમાં સરકારી ગોડાઉનમાંથી રૂ.18.08 લાખના ઘઉંની ચોરી પકડાઈ
જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના બેડી બંદર રોડ પર આવેલા નાગરિક પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાંથી રૂ.18.08 લાખની કિંમતના 69,950 કિલોગ્રામ ઘઉંની મોટી ચોરીનો ખુલાસો થયો છે. પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતનો ચોરાયેલો જથ્થો ઝડપાતાં આ સમગ્ર ક
સરકારી અનાજ નું ગોડાઉન


જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : જામનગરના બેડી બંદર રોડ પર આવેલા નાગરિક પુરવઠા નિગમના સરકારી ગોડાઉનમાંથી રૂ.18.08 લાખની કિંમતના 69,950 કિલોગ્રામ ઘઉંની મોટી ચોરીનો ખુલાસો થયો છે. પોલીસ ચેકિંગ દરમિયાન રૂ.75 હજારની કિંમતનો ચોરાયેલો જથ્થો ઝડપાતાં આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ ચેકિંગ દરમિયાન 150 મણ ઘઉંનો જથ્થો, વાહન અને ચોરીમાં વપરાયેલી વસ્તુઓ કબજે કરવામાં આવી હતી. આ અંગે બેડી પોલીસ ચોકીના પી.એસ.આઈ. દ્વારા પુરવઠા નિગમના અધિકારીને જાણ કરાતાં ગોડાઉનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. ગોડાઉન મેનેજર અને સ્ટાફ દ્વારા હાથ ધરાયેલી ગણતરીમાં સંગ્રહિત સરકારી અનાજમાંથી મોટી ઘટ હોવાનું સામે આવ્યું હતું.

ચકાસણી દરમિયાન 50 કિલોની ભરતી ધરાવતા કુલ 1,399 કટ્ટા ઘઉં ઓછા માલૂમ પડ્યા હતા. કુલ 69,950 કિલોગ્રામ ઘઉંની ઘટ જણાઈ હતી, જેની સરકારી ટેકાના ભાવ મુજબ કિંમત રૂ.18,08,207 થાય છે. ગોડાઉનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતાં માલૂમ પડ્યું કે તા.24 સપ્ટેમ્બરથી તા.7 ઓક્ટોબર દરમિયાન પાંચેક વખત છતના પતરાં ઉચકાવીને અનાજની ચોરી કરવામાં આવી હતી.

આ બનાવ અંગે ઇકબાલ અબ્દુલ કમોરા, અબ્બાસ વલીમહમદ જેડા, શબીર જુસબભાઈ શેખ, અબ્દુલ વલીમહમદ જેડા અને આબિદ અબ્દુલ જેડા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

સરકારી અનાજની આટલી મોટી ચોરી સામે આવ્યા બાદ પોલીસે તપાસ વધુ ઝડપી બનાવી છે. ચોરેલો જથ્થો ક્યાં વેચવામાં આવ્યો, ચોરીમાં અન્ય કોઈ સ્થાનિક લોકો કે કર્મચારીઓની સંડોવણી છે કે કેમ અને સમગ્ર ઘટના પાછળ અન્ય કોની ભૂમિકા છે તે તમામ દિશામાં પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande