
પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં કોર્ટના વોરંટના આધારે પાટણ એલસીબીએ કાર્યવાહી કરી અમદાવાદમાંથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઇવ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ અમદાવાદમાં છુપાઈને રહેતા હતા. બાતમીના આધારે એલસીબીની ટીમે અમદાવાદમાં દરોડો પાડી બંનેને તેમના નિવાસસ્થાનેથી ઝડપી લીધા હતા.
પોલીસે અનિલગીરી સુરેશગીરી ગૌસ્વામી (ઉંમર 39 વર્ષ, મૂળ વસાઈ ડાભલા, હાલ અમદાવાદ) અને ભૌતીકગીરી રમેશગીરી ગૌસ્વામી (ઉંમર 34 વર્ષ, મૂળ ઈડર, હાલ અમદાવાદ)ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે ચાણસ્મા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અનિલગીરી ગૌસ્વામી સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો 1 ગુનો નોંધાયેલો છે. જ્યારે ભૌતીકગીરી ગૌસ્વામી સામે સાબરમતી, નરોડા, માધવપુરા, સરદારનગર, ચિલોડા અને સરસ્વતી પોલીસ સ્ટેશન સહિત કુલ 7 ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ કેસોમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, ધાકધમકી અને જુગાર ધારાની કલમો હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ