


- ભરૂચના જલારામધામ અને સોનતલાવડીના ચોરીના સીકલીગર ગેંગના 2 સાગરીતો નંદેલાવ બ્રિજથી ઝડપાયા
- ચોરીમાં વપરાયેલી બાઇક, રોકડ અને તોડફોડના હથિયારો સહિત 57 હજારનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ, 08 ઓક્ટોબર (હિ.સ.) : ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી વ્યાપક પાયે સક્રિય 'સીકલીગર ગેંગ'નો ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસે પર્દાફાશ કર્યો છે. 17 સપ્ટેમ્બરે જલારામધામ સોસાયટી અને 1 ઓક્ટોબરે સોનતલાવડી વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા ચોરોને પોલીસે બાઇક તથા ચોરીના હથિયારો સાથે નંદેલાવ બ્રિજ નીચેથી ઝડપી લીધા છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા તપાસી તેમજ આરટીઓના 700થી વધુ વાહનોના ડેટા ફિલ્ટર કરીને આ ગુનાનો સફળતાપૂર્વક ઉકેલ આવ્યો છે.
ભરૂચ શહેર 'એ' ડિવિઝન પોલીસની ટીમ તપાસમાં હતી. દરમિયાન ભરૂચની જલારામધામ સોસાયટી અને સોનતલાવડીમાં રાત્રિના સમયે મકાનમાંથી રોકડ તથા દાગીનાની ચોરી અંગેની ફરિયાદો નોંધાઈ હતી. જેને પગલે પીઆઈ કે.ડી.માંગરોલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવવામાં આવી હતી.
પોલીસે અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા ગુનેગારોની યાદી તથા ડોઝિયર્સ એકઠા કર્યા હતા. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોના 100થી વધુ સીસીટીવી ફુટેજ તપાસતા એક શંકાસ્પદ હોન્ડા શાઇન મોટરસાઇકલ જોવા મળી હતી, પરંતુ તેનો નંબર અધૂરો દેખાતો હતો. પોલીસે તુરંત ભરૂચ આરટીઓમાંથી 700થી વધુ વાહનોનો ડેટા મેળવી ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું, જેમાં શંકાસ્પદ બાઇકનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-EG-9962 હોવાનું ખુલ્યું હતું.
ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી માહિતી મળી હતી કે ઘરફોડ ચોરીમાં વપરાયેલ બાઇક સાથે બે ઇસમો આમોદથી ભરૂચ તરફ આવી રહ્યા છે. જેથી સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી નંદેલાવ બ્રિજ નીચેથી બે સીકલીગર ઇસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસની સઘન અને યુક્તિપૂર્વકની પૂછપરછ સામે બંને ભાંગી પડ્યા હતા અને જલારામધામ તેમજ સોનતલાવડીની ચોરીની કબૂલાત કરી હતી.
પોલીસે આમોદ નવી નગરીમાં રહેતા સતવનસિંગ ઉર્ફે ઇલુ પ્રિતમસિંગ સીકલીગર અને જસપાલસિંગ ચેનસિંગ સીકલીગરની અટકાયત કરી છે. પકડાયેલા સતવનસિંગ સામે અગાઉ ભરૂચ 'એ' ડિવિઝન અને 'સી' ડિવિઝનમાં ચોરીના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી હોન્ડા શાઇન મોટરસાઇકલ કિંમત 50 હજાર, રોકડ રકમ 7 હજાર અને ચોરી માટે વાપરતા લોખંડની હથોડી, ડિસમિસ (પેચિયું), જાડો સળિયો અને આરી એમ કૂલ 57 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ