
રાજકોટ, 08 ઓક્ટોબર (હિ.સ.) : જસદણ તાલુકાના સાણથલી ગામે વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ગામના જ 68 વર્ષીય વૃદ્ધ ખેડૂત વશરામભાઇ મોહનભાઇ સીરોયા નાણાકીય આફત વચ્ચે વ્યાજખોરીના વિષચક્રમાં ફસાઈ જતાં તેમણે પોતાની કિંમતી જમીન ગુમાવવાનો વારો આવ્યો છે. નાણાં ધીરધાર કરનાર પિતા અને બે પુત્રોએ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ખેડૂતની જમીનનો દસ્તાવેજ પચાવી પાડ્યો હતો. આખરે વ્યાજખોરોના અમાનુષી ત્રાસથી કંટાળીને વૃદ્ધ ખેડૂતે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, વર્ષ 2016માં ખેડૂત વશરામભાઈને તેમના પુત્ર હરેશભાઈની પત્નીના સીમંત પ્રસંગ અને ખેતીકામના ખર્ચ માટે નાણાંની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમણે ગામમાં જ રહેતા અને વ્યાજનો વ્યવસાય કરતા ભગુ વલકુ જેબલીયા પાસેથી માસિક ત્રણ ટકાના દરે રૂ.5.50 લાખ વ્યાજે લીધા હતા. જોકે, નબળી આર્થિક સ્થિતિના કારણે તેઓ સમયસર વ્યાજ ચૂકવી શક્યા ન હતા. સમય વીતતા આરોપીઓ વ્યાજની રકમ માટે કડક ઉઘરાણી કરવા લાગ્યા હતા. ખેડૂતે થોડો સમય માંગતા જ આરોપીઓએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને વ્યાજની રકમ માટે દબાણ વધારી દીધું હતું.
આરોપી ભગુ જેબલીયા અને તેના બે પુત્રો પ્રતાપ ભગુ જેબલીયા તથા રાજુ ભગુ જેબલીયાએ ખેડૂતને દસ્તાવેજ કરી આપવા માટે મજબૂર કર્યા હતા. ખેડૂતે જ્યારે સિક્યુરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ કરવાનો ઇનકાર કર્યો, ત્યારે ત્રણેય પિતા-પુત્રોએ તેમને અને તેમના પરિવારને ગામમાં રહેવા નહીં દઈએ તેમજ ઘરમાંથી કોઈને પણ જીવતું રાખવામાં નહીં આવે તેવી ભયાનક ધમકીઓ આપી હતી. આ ધાક-ધમકી અને ડરના માહોલમાં આવીને ખેડૂતે પોતાની મરજી વિરુદ્ધ જમીનનો વેચાણ દસ્તાવેજ પિતા-પુત્રોના નામે કરી આપવો પડ્યો હતો. દસ્તાવેજ થયા પછી પણ આરોપીઓએ વ્યાજ વધારવાનું ચાલુ રાખ્યું હતું અને વ્યાજનું પણ વ્યાજ ગણવાનું શરૂ કરી દીધું હતું.
ત્યારબાદ વર્ષ 2018માં ભગુ જેબલીયાએ ફરીથી ખેડૂતનો સંપર્ક કર્યો હતો અને અગાઉના દસ્તાવેજમાં કૂવાનું લખાણ રહી ગયું હોવાનું કહી સુધારા દસ્તાવેજ કરવાનું જણાવ્યું હતું. ખેડૂતે તેમાં પણ આનાકાની કરતા આરોપીઓએ અગાઉની જેમ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને બળજબરીથી તેમને જસદણ સબરજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈ સુધારા દસ્તાવેજ પર સહીઓ કરાવી લીધી હતી. આ બાબતે જો કોઈને પણ જાણ કરશે તો જીવવું મુશ્કેલ બનાવી દેવાની ધમકી આપીને ખેડૂતને ભયભીત કરી દેવાયા હતા.
છેલ્લા કેટલાક સમયથી ખેડૂત પોતાની જમીનનો દસ્તાવેજ પરત મેળવવા માટે આરોપીઓ પાસે અવારનવાર વિનંતીઓ કરી રહ્યા હતા. પરંતુ દરેક વખતે આરોપીઓ દસ્તાવેજ પરત આપવાના બદલામાં માંગણીની રકમ સતત વધારતા જ જતા હતા. તાજેતરમાં જ્યારે ખેડૂત ફરીથી જમીનનો દસ્તાવેજ પાછો માંગવા ગયા ત્યારે પિતા-પુત્રોએ આ રકમ વધારીને સીધી રૂ.50 લાખની માંગણી કરી હતી. ખેડૂતે આટલી મોટી રકમ આપવા અસમર્થતા દર્શાવીને આજીજી કરી હોવા છતાં આરોપીઓ ટસના મસ થયા ન હતા. આખરે કોઈ માર્ગ ન જણાતાં વૃદ્ધ ખેડૂતે આટકોટ પોલીસ મથકે પહોંચી પિતા-પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt