લાકડાના ભાવમાં 50% સુધીનો વધારો, 20 કિલોના ભાવ ₹100થી વધી ₹150-160 થયો
અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. લાકડાની માંગ વધતા તેની કિંમતમાં પણ વધારો નોંધાયો છે. અગાઉ 20 કિલો લાકડાનો ભાવ આશરે ₹100 હતો, જે હાલ
લાકડાના ભાવમાં 50% સુધીનો વધારો, 20 કિલોના ભાવ ₹100થી વધી ₹150-160 થયો


અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી લાકડાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. લાકડાની માંગ વધતા તેની કિંમતમાં પણ વધારો નોંધાયો છે.

અગાઉ 20 કિલો લાકડાનો ભાવ આશરે ₹100 હતો, જે હાલમાં વધીને ₹150થી ₹160 સુધી પહોંચ્યો હોવાનું લાકડાના વેપારીઓ જણાવી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારની સાથે હવે શહેરી વિસ્તારોમાં પણ લોકો લાકડાની ખરીદી તરફ વળ્યા છે. ગેસ સિલિન્ડર સમયસર ઉપલબ્ધ ન થવો, ગેસના ભાવમાં વધારો તેમજ ઘરગથ્થુ જરૂરિયાતો માટે વૈકલ્પિક ઈંધણની જરૂરિયાતને કારણે કેટલાક લોકો લાકડાનો ઉપયોગ કરતા થયા છે. પરિણામે બજારમાં લાકડાની માંગમાં વધારો થયો છે.

સાવરકુંડલા શહેરમાં લાકડાનો લાંબા સમયથી વ્યવસાય કરતા તોફિકભાઈ કુરેશીના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 30 વર્ષથી લાકડાની ખરીદી અને વેચાણના વ્યવસાય સાથે જોડાયેલા છે. તેઓ સાવરકુંડલા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડાની ખરીદી કરીને તેનું વેચાણ કરે છે.

તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા શહેરમાં લોખંડની અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને ત્યાં પણ લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી સામાન્ય લોકો પણ લાકડાની ખરીદી કરતા થયા છે. જેના કારણે લાકડાની માંગમાં વધારો થયો છે.

વેપારીના જણાવ્યા પ્રમાણે, આશરે છ મહિના પહેલા 20 કિલો લાકડાનો ભાવ ₹100ની આસપાસ હતો. જોકે હાલમાં લાકડાના માલની અછત અને માંગમાં વધારો થતાં ભાવ વધીને ₹150થી ₹160 સુધી બોલાઈ રહ્યો છે. એટલે કે છ મહિનાની સરખામણીએ 20 કિલો લાકડાના ભાવમાં અંદાજે 50થી 60 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

લાકડાના ભાવમાં થયેલા આ વધારાની સીધી અસર લાકડાનો ઉપયોગ કરતા ગ્રાહકોના ઘરખર્ચ પર પણ પડી રહી છે. એક તરફ ઈંધણના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ લાકડાની માંગ વધવાથી તેના ભાવમાં પણ વધારો થયો છે.

સાવરકુંડલા સહિત અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હાલ લાકડાની ખરીદીમાં વધારો જોવા મળતા આગામી દિવસોમાં તેની માંગ અને ભાવમાં શું સ્થિતિ રહે છે તેના પર વેપારીઓ અને ગ્રાહકોની નજર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande