વિશ્વ કપાસ દિવસ નિમિત્તે અઠવા કપાસ સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂત શિબિર યોજાઈ
સુરત, 08 ઓક્ટોબર (હિ.સ.)-વિશ્વ કપાસ દિવસની ઉજવણીના ભાગરૂપે અઠવા સ્થિત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભવ્ય ખેડૂત શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાંથી કપાસ પકવતા ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ મહાવ
વિશ્વ કપાસ દિવસ શિબિર યોજાઈ


સુરત, 08 ઓક્ટોબર (હિ.સ.)-વિશ્વ કપાસ દિવસની ઉજવણીના ભાગરૂપે અઠવા સ્થિત મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ભવ્ય ખેડૂત શિબિર યોજાઈ હતી. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓમાંથી કપાસ પકવતા ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ મહાવિદ્યાલયની તાલીમાર્થી વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી.

આ પ્રસંગે વિશ્વની પ્રથમ વ્યાવસાયિક સંકર કપાસની જાત ‘સંકર-4’ના પ્રણેતા સ્વર્ગસ્થ ડૉ. સી.ટી. પટેલના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. સંશોધન કેન્દ્ર ખાતે આવેલી તેમની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના વડા ડૉ. એમ.સી. પટેલે વિશ્વ કપાસ દિવસનું મહત્વ સમજાવી ઉપસ્થિત મહેમાનો અને ખેડૂતોનું સ્વાગત કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર.એમ. નાયકે બદલાતી આબોહવાની પરિસ્થિતિને કારણે ખેતી ક્ષેત્રે ઊભા થતા પડકારોના ઉકેલ માટે ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે વધુ સંકલન જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે ટકાઉ ખેતી પદ્ધતિઓ અને આધુનિક સંશોધનના ઉપયોગથી કપાસનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો હતો.

જહાંગીરપુરા સ્થિત પુરુષોત્તમ ફાર્મર્સ સહકારી જિનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટીના પ્રમુખ મનહરભાઈ કે. પટેલે ખેડૂતોને નવીન ટેકનોલોજી અપનાવી ગુણવત્તાસભર કપાસનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

સંશોધન નિયામક ડૉ. ટી.આર. અહલાવત અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્માએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી અને વધુ ઉપયોગી કપાસની જાતો વિકસાવવા વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો.

તકનીકી સત્રમાં ડૉ. કે.બી. સાંકટે જમીન સુધારણા અને ઉત્પાદન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. આર.ડી. પટેલે કપાસના રોગો અને જીવાતોના નિયંત્રણ માટે ઓછા ખર્ચની પદ્ધતિઓ સમજાવી હતી. ત્યારબાદ ખેતર મુલાકાત દરમિયાન ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે પ્રશ્નોત્તરી યોજાઈ હતી અને ખેડૂતોની સમસ્યાઓનું સ્થળ પર જ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન ડૉ. કે.બી. સાંકટે કર્યું હતું, જ્યારે સહ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. ડી.એચ. પટેલે આભારવિધિ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande