'પટ્ટીના પગલાં વખાણું’... અમરેલીના યુવકનો કાઠિયાવાડી પટ્ટી નસલનો ઘોડો બન્યો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર
- બાલાનીવાવના રવિરાજ વરૂનો અશ્વપ્રેમ, એક વર્ષથી ઘોડાને કરી રહ્યા છે ખાસ તાલીમ અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) : પાણીનો ગ્લાસ લઈને દોડાવવા છતાં ટીપું પણ ન પડે એવો દાવો સૌરાષ્ટ્રની ધરતી પર અશ્વપ્રેમની પરંપરા વર્ષોથી જોવા મળે છે. ખાસ કરીને કાઠિયાવાડી નસ
પટ્ટીના પગલાં વખાણું’... અમરેલીના યુવકનો કાઠિયાવાડી પટ્ટી નસલનો ઘોડો બન્યો ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર


- બાલાનીવાવના રવિરાજ વરૂનો અશ્વપ્રેમ, એક વર્ષથી ઘોડાને કરી રહ્યા છે ખાસ તાલીમ

અમરેલી, 08 ઓક્ટોબર (હિ.સ.) :

પાણીનો ગ્લાસ લઈને દોડાવવા છતાં ટીપું પણ ન પડે એવો દાવો

સૌરાષ્ટ્રની ધરતી પર અશ્વપ્રેમની પરંપરા વર્ષોથી જોવા મળે છે. ખાસ કરીને કાઠિયાવાડી નસલના ઘોડાઓ પ્રત્યે લોકોમાં અલગ જ લગાવ છે. હવે યુવા પેઢીમાં પણ અશ્વપ્રેમનો શોખ વધતો જોવા મળી રહ્યો છે.

યુવાઓ વિવિધ નસલના ઘોડા પાળવાની સાથે તેમની ચાલ, દેખાવ અને તાલીમ પર પણ ખાસ ધ્યાન આપી રહ્યા છે. આવો જ અશ્વપ્રેમ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામના યુવકમાં જોવા મળ્યો છે.

બાલાનીવાવ ગામના રવિરાજભાઈ ધીરુભાઈ વરૂ પાસે કાઠિયાવાડી પટ્ટી નસલનો ‘મલંગ’ નામનો ઘોડો છે. આ ઘોડાની ખાસ ચાલ અને તેની નસલને કારણે તે હાલ આસપાસના વિસ્તારમાં જ નહીં પરંતુ ગુજરાતમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

રવિરાજભાઈના જણાવ્યા મુજબ તેમના પરિવારને બાપદાદાના સમયથી જ અશ્વો રાખવાનો શોખ છે. બાળપણથી જ તેમને પણ ઘોડા પ્રત્યે ખાસ લગાવ રહ્યો છે. આ જ શોખને આગળ વધારી તેમણે પટ્ટી નસલનો ઘોડો પાળ્યો છે.

ઘોડાની સંભાળ અને તાલીમ અંગે રવિરાજભાઈ જણાવે છે કે ઋતુ પ્રમાણે ઘોડાના દાણા-પાણી અને ખોરાકમાં ફેરફાર કરવામાં આવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું—દરેક ઋતુમાં ઘોડાની જરૂરિયાત પ્રમાણે તેની સંભાળ રાખવામાં આવે છે. ઘોડાની ‘રેવાળ’ એટલે કે ચાલ સુધારવા માટે પણ ખાસ તાલીમ આપવામાં આવે છે.

રવિરાજભાઈના જણાવ્યા પ્રમાણે તેમના ઘોડા ‘મલંગ’ની ખાસિયત તેની વિવિધ પ્રકારની ચાલ છે. ઘોડો થલ, રોડિયું અને રેવાળ જેવી ચાલ કરી શકે છે. રેવાળ ચાલ દરમિયાન તેની ઝડપ અંદાજે 34થી 35 જેટલી રહે છે અને ચાલ દરમિયાન તેની ખાસ ચોખ્ખાઈ જોવા મળે છે. તેઓ કહે છે કે ઘોડાની ચાલ દરમિયાન પાણીનો ગ્લાસ રાખવામાં આવે તો પણ પાણીનું ટીપું નીચે ન પડે તેવી રીતે ઘોડાને તાલીમ આપવામાં આવી છે.

આ ઘોડાને તૈયાર કરવામાં રવિરાજભાઈને આશરે એક વર્ષ જેટલો સમય લાગ્યો છે. તેમના કહેવા પ્રમાણે ઘોડાને ચોકસાઈથી તાલીમ આપવી સરળ નથી. સતત મહેનત, સમય અને ઘોડા પ્રત્યેના પ્રેમથી ધીમે ધીમે તેને વિવિધ ચાલ માટે તૈયાર કરવામાં આવ્યો છે.

રવિરાજભાઈએ વધુમાં જણાવ્યું કે આ ઘોડો આશરે ચારથી પાંચ મહિના પહેલાં પંજાબથી આવ્યો હતો. તેમણે ઘોડાની કિંમત અંગે વાત કરતાં કહ્યું કે ઘોડો તેમના માટે શોખ અને લાગણી સાથે જોડાયેલો હોવાથી તેની કોઈ કિંમત નક્કી કરી શકાય તેમ નથી. આસપાસના લોકો પણ ઘોડો ખરીદવા માટે કિંમત પૂછે છે, પરંતુ હાલ તો તેને વેચવાનો તેમનો કોઈ વિચાર નથી.

સ્થાનિક અગ્રણી મંગળુભાઈ ખુમાણ પણ આ ઘોડાની નસલ અને ચાલ અંગે વાત કરતાં કહે છે કે, “હાલાજી તારા હાથ વખાણું, પટ્ટી તારા પગલા વખાણું” જેવી લોકવાણીમાં પટ્ટી ઘોડાના પગલાં અને ચાલની પ્રશંસા કરવામાં આવી છે.

પટ્ટી કાઠિયાવાડી ઘોડાની એક પેટા નસલ તરીકે ઓળખાય છે અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં તેના ઘોડા જોવા મળે છે. વર્ષો જૂની લોકવાણીમાં પણ પટ્ટીના પગલાંની પ્રશંસા કરવામાં આવી છે.

આજે બાલાનીવાવના આ યુવકનો ઘોડો પણ તેની ખાસ ચાલ અને તાલીમને કારણે આ પરંપરાને જીવંત રાખતો જોવા મળી રહ્યો છે.

અશ્વપ્રેમ, પરંપરા અને યુવા પેઢીના શોખનું આ અનોખું સંયોજન હાલ સૌરાષ્ટ્રમાં લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande