
જામનગર, 08 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં પાણી પુરવઠા, સિંચાઈ, પીજીવીસીએલ અને વન વિભાગ દ્વારા યોજનાઓની પ્રગતિ, વરસાદ અને વર્તમાન સ્થિતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રાઘવજી પટેલે જિલ્લાના વિવિધ પ્રશ્નો અને પ્રજાલક્ષી રજૂઆતો મંત્રી સમક્ષ મુકી હતી, જેના આધારે મંત્રીએ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી.
બેઠકમાં પીવાના પાણીની વ્યવસ્થા અને વિતરણ પર ખાસ ભાર મૂકીને જરૂરિયાતવાળા વિસ્તારોમાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા અને તેના યોગ્ય આયોજન અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી. ખેડૂતોને સમયસર અને સુચારુ વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ સહિતના સંબંધિત વિભાગોને કામગીરી કરવા જણાવાયું હતું.
પશુઓ માટે ઘાસ વિતરણની વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા અંગે પણ બેઠકમાં મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા હતા. જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને આવશ્યક સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવીને પ્રાથમિકતાના ધોરણે કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટર પી.બી. પંડ્યાએ મંત્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાને રાખીને સંબંધિત વિભાગના અધિકારીઓને તે દિશામાં ઝડપી કામગીરી કરવા માટે નિર્દેશ આપ્યા હતા. પ્રજાકીય સમસ્યાઓનો ઝડપી ઉકેલ લાવવા માટે સરકારી તંત્રને સક્રિય રહીને કામ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજન જીવાણી, મેયર મોનિકા વ્યાસ, ધારાસભ્ય રાઘવજી પટેલ અને મેઘજી ચાવડા, કમિશનર દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt