
પાટણ, 08 ઓક્ટોબર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)માં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવા માટે 6 મહિલા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. કુલપતિ ડો. કે.સી. પોરીયાએ મહિલાઓના પ્રતિનિધિત્વને પ્રાધાન્ય આપ્યું છે. એક તૃતીયાંશ મહિલા પ્રતિનિધિત્વના નિયમ મુજબ સિનિયોરિટીના આધારે પ્રથમવાર 6 મહિલા શિક્ષકોને ECમાં સામેલ કરવામાં આવ્યા છે. નવી નિમણૂક પામેલા સભ્યોનું ECની બેઠક દરમિયાન સ્વાગત કરવામાં આવ્યું હતું.
ECના નવા સભ્યોને તેમની કામગીરી અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવા GTU દ્વારા પ્રકાશિત ગુજરાતી પુસ્તક આપવામાં આવ્યું હતું. આ પુસ્તકના માધ્યમથી સભ્યોને કારોબારી સમિતિની કામગીરી સમજાવવામાં આવી હતી. મહિલાઓના પ્રતિનિધિત્વમાં થયેલા વધારાને યુનિવર્સિટીના મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા ગુજકોસ્ટ સાથે વિમેન ટેકનોલોજી સેન્ટર સ્થાપવા માટે MoU કરવાની દરખાસ્તને પણ EC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આગામી મહિને યોજાનારા ક્રિસ્ટલોગ્રાફી નેશનલ સેમિનારને પણ કારોબારી સમિતિએ મંજૂરી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ