


સુરત, 08 ઓક્ટોબર (હિ.સ.)-માનવ સંસ્કૃતિના વિકાસમાં સંદેશાવ્યવહારનું સ્થાન પ્રાણવાયુ સમાન રહ્યું છે. આજે સંદેશો પળવારમાં દુનિયાના કોઈપણ ખૂણે પહોંચી જાય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે લાગણીઓથી ભરેલા પત્રો, રાજકીય પરવાના, વેપારીઓની હૂંડીઓ અને અગત્યના સંદેશા પહોંચાડવાની જવાબદારી ટપાલ વ્યવસ્થાના ખભે હતી. 9 ઓક્ટોબર વિશ્વ ટપાલ દિવસ નિમિત્તે ભારતની ટપાલ વ્યવસ્થાની આ સફરમાં સુરતનું ઐતિહાસિક જોડાણ પણ વિશેષ રહ્યું છે.
ભારતમાં સંદેશાવ્યવહારની વ્યવસ્થા પ્રાચીનકાળથી જોવા મળે છે. મૌર્ય સામ્રાજ્યમાં સંદેશવાહકો અને કબૂતરોનો ઉપયોગ થતો હતો. દિલ્હી સલ્તનત બાદ 16મી સદીમાં શેરશાહ સૂરીએ ‘ડાક ચોકી’ અને અશ્વસવાર સંદેશવાહકોની વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયમાં 1766માં વોરન હેસ્ટિંગ્સ દ્વારા ડાક સેવાની શરૂઆત થઈ અને 1 ઓક્ટોબર, 1854ના રોજ લોર્ડ ડેલહાઉસીના સમયમાં ‘ઇન્ડિયન પોસ્ટ ઓફિસ એક્ટ’ લાગુ થતાં આધુનિક ભારતીય ડાક વ્યવસ્થાને નવું સ્વરૂપ મળ્યું.
9 ઓક્ટોબર, 1874ના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપનાની યાદમાં દર વર્ષે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં 10 ઓક્ટોબરે રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
‘બાબ-ઉલ-મક્કા’ સુરત અને ટપાલનો ઐતિહાસિક સંબંધ
16મી અને 17મી સદીમાં સુરત મુઘલ સામ્રાજ્યનું મુખ્ય બંદર હતું. હજયાત્રાના મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર તરીકે સુરતને ‘બાબ-ઉલ-મક્કા’ તરીકે ઓળખવામાં આવતું હતું. પર્શિયા, ઓટોમાન સામ્રાજ્ય અને યુરોપથી દરિયાઈ માર્ગે આવતા વેપારીઓના પત્રો, દસ્તાવેજો અને હૂંડીઓ સુરતથી દેશના વિવિધ વિસ્તારોમાં મોકલાતી હતી.
ડચ, પોર્ટુગીઝ અને બ્રિટિશ વેપારીઓ માટે પણ સુરત ભારતનું મહત્વનું વેપારી પ્રવેશદ્વાર હતું. આમ, સુરતના વેપારના વિકાસ સાથે સંદેશાવ્યવહાર અને ટપાલ વ્યવસ્થાનો પણ ગાઢ સંબંધ રહ્યો છે.
38 કરોડથી વધુ બચત ખાતા, રૂ.22 લાખ કરોડની થાપણ
સુરત ડિવિઝનના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ યશકુમાર જૈનના જણાવ્યા અનુસાર, ભારતીય ટપાલ વિભાગ આજે માત્ર પત્રો અને પાર્સલ પહોંચાડતું તંત્ર નથી, પરંતુ કરોડો નાગરિકોની આર્થિક અને સામાજિક સુરક્ષાનો પણ મહત્વપૂર્ણ આધાર બન્યો છે.
તેમણે જણાવ્યું કે દેશભરમાં 38 કરોડથી વધુ બચત ખાતાઓમાં આશરે રૂ.22 લાખ કરોડની થાપણ છે. ભારતીય ટપાલ વિભાગ પાસે 1.65 લાખથી વધુ ડાકઘરોનું વિશાળ માળખું છે, જેમાંથી અંદાજે દોઢ લાખ ડાકઘરો ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે.
સુરતમાં 1969થી ડાક ડિવિઝન
સુરત પોસ્ટલ ડિવિઝન વર્ષ 1969થી કાર્યરત છે. અહીં ડચ સમયની ઐતિહાસિક ઇમારતની સાથે SVNIT ખાતે આધુનિક ‘NxtGen’ પોસ્ટ ઓફિસ પણ કાર્યરત છે. યશકુમાર જૈનના જણાવ્યા મુજબ સુરત ડિવિઝન દેશના ટોચના 10 પોસ્ટલ ટ્રેડ પોઇન્ટ્સમાં સ્થાન ધરાવે છે અને સ્થાનિક ઉત્પાદકો તથા વેપારીઓને દેશ-વિદેશ સાથે જોડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સુરત પોસ્ટલ ડિવિઝન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 240 ડાકઘરો કાર્યરત છે. શહેરમાં 302 પોસ્ટમેન અને ગ્રામ્ય વિસ્તારોમાં 340 ગ્રામીણ ડાક સેવકો સેવાઓ આપી રહ્યા છે.
હવે ટપાલી માત્ર ચિઠ્ઠી લઈને નથી આવતો
સમય બદલાયો અને ટપાલ વિભાગની ભૂમિકા પણ બદલાઈ. આજે ટપાલીઓ પત્રોની સાથે એટીએમ કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ઘરઆંગણે પહોંચાડે છે. ગ્રામસભાઓમાં લોકોને સુરક્ષિત બચત અને વીમા યોજનાઓ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરઆંગણે નાણાકીય સેવાઓ અને આધાર આધારિત ચુકવણીની સુવિધા ઉપલબ્ધ થઈ છે. વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અને શ્રમિકો માટે ગ્રામીણ ડાક સેવકો સૂક્ષ્મ એટીએમ સાથે તેમના દ્વાર સુધી પહોંચી રહ્યા છે.
પાસપોર્ટ સેવા કેન્દ્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના
આધાર સુધારણા અને પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ જેવી સેવાઓ પણ ટપાલ વિભાગના બદલાતા સ્વરૂપનો ભાગ બની છે. વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ માટે ‘APT 2.0’ જેવી આંતરિક ઉપયોગની સરળ પ્રણાલી પણ વિકસાવવામાં આવી છે.
એક સમય હતો જ્યારે સુરતના બંદરેથી વેપારીઓની હૂંડીઓ અને પત્રો દેશના ખૂણે-ખૂણે જતા હતા. આજે એ જ સુરતમાં ડાક સેવક હાથમાં સૂક્ષ્મ એટીએમ લઈને નાગરિકના ઘર સુધી બેંકિંગ સેવા પહોંચાડી રહ્યો છે. સદીઓ બદલાઈ, સાધનો બદલાયા, પરંતુ લોકોને જોડતી ટપાલની ભૂમિકા આજે પણ યથાવત છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે