
સુરત, 09 ઓક્ટોબર (હિ.સ.) સુરતમાં આ વર્ષે નવરાત્રિ મહોત્સવને ભવ્ય બનાવવા સાથે ખેલૈયાઓની સુરક્ષા અને સંભવિત આર્થિક નુકસાન સામે રક્ષણ આપવા આયોજકો દ્વારા મોટા પાયે ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. શહેરના છ મોટા ગરબા આયોજકોએ મળીને અંદાજે ₹225થી ₹250 કરોડ સુધીનું વીમા કવચ મેળવ્યું છે. તેમાં એક આયોજકનો વીમો ₹100 કરોડથી પણ વધુનો હોવાનું જાણવા મળ્યું છે. સુવર્ણ, ગ્લોબલ ગરબા વિલેજ અને વાયપીડી સહિતના આયોજકોએ આગ, અકસ્માત, સંપત્તિને નુકસાન અને અન્ય અણધારી ઘટનાઓ સામે સુરક્ષા માટે અલગ-અલગ વીમા પોલિસીઓ લીધી છે.
આ વીમા વ્યવસ્થામાં ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષા, સ્ટેજ તથા ટેન્ટને નુકસાન, ફૂડ પોઈઝનિંગ, ટેકનિકલ ખામી, કલાકારોની ગેરહાજરી અને કાર્યક્રમ રદ થવા જેવા સંભવિત જોખમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભાગદોડ કે અકસ્માતમાં થતી જાનહાનિ, જાહેર જવાબદારી અને કાનૂની વિવાદો સામે પણ વીમા સુરક્ષા મેળવવામાં આવી છે. જોકે, વરસાદની આગાહી અને હવામાનની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને આ વર્ષની કેટલીક પોલિસીઓમાં વરસાદથી થતા નુકસાનને કવરેજમાંથી બાકાત રાખવામાં આવ્યું છે. બીજી તરફ, આયોજકો દ્વારા ખેલૈયાઓની સુવિધા માટે વોટરપ્રૂફ અને ફાયરપ્રૂફ ડોમ તથા ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઇવેન્ટ ઇન્સ્યોરન્સ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અગાઉની સરખામણીએ આ વર્ષે ગરબા આયોજકોમાં વીમા અંગે વધુ જાગૃતિ જોવા મળી રહી છે. મોટા સ્ટેજ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને ભવ્ય સેટઅપ પાછળ થતા ખર્ચને સુરક્ષિત રાખવા ઉપરાંત, કડક સુરક્ષા નિયમો અને જાહેર જવાબદારીને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. ઇવેન્ટ કેન્સલેશન જેવી પોલિસીઓ હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં કાર્યક્રમ રદ થવાથી થતા આર્થિક નુકસાનની ભરપાઈ પણ થઈ શકે છે, જોકે વળતર પોલિસીની શરતોને આધીન રહેશે. આ વર્ષે વરસાદની શક્યતા હોવા છતાં આયોજકોને આશા છે કે યોગ્ય વ્યવસ્થા અને સુરક્ષા પગલાંના આધારે નવરાત્રિ મહોત્સવ ઉત્સાહભેર યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે