રાજકોટની ભાગોળે શાપરમાં 8 મહિનાના માસુમનું ઝાડા-ઉલ્ટીની ગંભીર અસરથી મોત
રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં બનેલી બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ અરેરાટી મચાવી દીધી છે. શાપર વેરાવળમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારના ૮ મહિનાના માસુમ બાળકની અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્ય
આપઘાત મોત


રાજકોટ, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજકોટ જિલ્લા અને આસપાસના વિસ્તારમાં બનેલી બે અલગ-અલગ દુઃખદ ઘટનાઓએ અરેરાટી મચાવી દીધી છે. શાપર વેરાવળમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના શ્રમિક પરિવારના ૮ મહિનાના માસુમ બાળકની અચાનક તબિયત લથડતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે, જ્યારે જામજોધપુરમાં ધંધાના વિસ્તરણ અર્થે વધુ ટ્રક ખરીદવાના મુદ્દે પરિવારે અસહમતી દર્શાવતા ૩૭ વર્ષીય યુવકે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા ટૂંકાવી લીધી છે. બંને ઘટના અંગે સ્થાનિક પોલીસે હોસ્પિટલ નોંધના આધારે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

પહેલા બનાવની વિગત મુજબ શાપર વેરાવળમાં આનંદ ગેઇટ પાસે રહેતા મૂળ યુપી અલીગઢના વતની વાહરૂખ વાહેદભાઈ હુશેનના ૮ મહિનાના પુત્ર મુસ્તુફાને બે દિવસ પહેલાં અચાનક ઝાડા-ઉલ્ટી થઈ જતાં તબિયત લથડી હતી. પરિવારે બાળકને તાત્કાલિક રાજકોટની ઝનાના હોસ્પિટલના બાળરોગ વિભાગમાં દાખલ કર્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ આજે સવારે બાળકે અંતિમ શ્વાસ લીધા હતા. મુસ્તુફા માતા-પિતાનું પહેલું જ સંતાન હોવાથી આ માસુમના અકાળે અવસાનથી શ્રમિક પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

બીજા કિસ્સામાં જામજોધપુરના તિરુપતિ પાર્કમાં રામવાટીકા-૨ માં રહેતા ભરતભાઈ લાખાભાઈ ભેસદડીયા (ઉ.વ. ૩૭) નામના યુવકે ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને પ્રથમ જામજોધપુર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક ત્રણ ભાઈઓમાં સૌથી નાના હતા અને તેમને બે બાળકો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, મૃતક ભરતભાઈ પરિવહનના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને પોતાના ધંધાનો વ્યાપ વધારવા માટે વધુ ટ્રક ખરીદવા માંગતા હતા. આ અંગે ઘરમાં વાતચીત દરમિયાન પરિવારજનોએ વધુ ટ્રક લેવાની ના પાડતા ભરતભાઈને લાગી આવ્યું હતું અને તેમણે આ આત્યંતિક પગલું ભરી લીધું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande