
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : આદિ શંકરાચાર્યજીની ભાવવંદના સાથે સૌના મંગળ સ્વસ્તિ માટે મોરારિબાપુ દ્વારા દિવ્ય ઉપક્રમ 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથા લાભ મળનાર છે. શનિવારથી કન્યાકુમારીથી કેદારનાથ કથાયાત્રા પ્રથમ ચરણ પ્રારંભ થનાર છે, જેમાં વિશ્વભરના કથાપ્રેમીઓ સામેલ થઈ રહ્યાં છે.
સનાતન મૂલ્યોના સંવર્ધન અને નવા દ્રષ્ટિકોણ સાથે આપણાં મૂળ શાસ્ત્રો સાંપ્રત સમાજ જીવનમાં પૂરક બનાવવાં મોરારિબાપુ રામકથાના માધ્યમથી સહજ મથી રહ્યાં છે અને અવનવાં ઉપક્રમો દ્વારા આદર્શ સમાજ વ્યવસ્થા માટે પ્રેરણા આપતાં રહ્યાં છે. આદિ શંકરાચાર્યજીની ભાવવંદના સાથે મોરારિબાપુના જ સંદેશા મુજબ, 'દિવ્ય ભારત', 'સેવ્ય ભારત', 'ભવ્ય ભારત' અને 'નવ્ય ભારત' આ ચાર મુદ્દા સાથે સ્વસ્તિક નિર્માણ હેતુ માટે આ 'ભારત સ્વસ્તિક યાત્રા' યોજાઈ છે, જેમાં સમગ્ર વિશ્વ માટે સ્વસ્તિક એટલે સ્વસ્તિ, મંગળ અને કલ્યાણનો ભાવ રહેલો છે. આ સાથે, 'એક ભારત, રામમય ભારત' સંદેશો પણ રહેલો છે.આ સૌના મંગળ સ્વસ્તિ માટે વિવિધ સ્થાનોની યાત્રા સાથે બે ગાડીઓ દ્વારા યાત્રા સાથે એક એક સ્થાનમાં રામકથા લાભ મળનાર છે. સનાતન ધર્મની સેવાના સંકલ્પ સાથે મોરારિબાપુના વ્યાસાસને શનિવાર તા.૧૦ના કન્યાકુમારી તીર્થ સ્થાનથી રામકથા પ્રારંભ થશે. આ યાત્રા રેલમાર્ગે કન્યાકુમારીથી ક્રમશઃ એક એક સનાતન સ્થાનોમાં જશે અને કથાગાન થશે. આ સ્થાનોમાં કન્યાકુમારીથી પ્રારંભ થઈ કાલડી, શ્રૃંગેરી, હમ્પી, તુલજાપુર, ઓમકારેશ્વર, ઝાંસી, મથુરા, કુરુક્ષેત્ર, વાઘા સરહદ, જમ્મુ થઈને કેદારનાથ તીર્થમાં શુક્રવાર તા.૨૩ના સમાપન થશે.
આ અખંડ ભારત યાત્રા પ્રથમ તબક્કામાં શનિવારથી કન્યાકુમારીથી કેદારનાથ કથાયાત્રા પ્રથમ ચરણ પ્રારંભ થનાર છે, જેમાં વિશ્વભરના કથાપ્રેમીઓ સામેલ થઈ રહ્યાં છે. બીજા તબક્કામાં આ રામકથા યાત્રા દ્વારકાથી જગન્નાથપુરી સાથેની યોજાશે. બંને ક્થા યાત્રામાં કુલ ૨૧ સ્થાન શહેરમાં કથાગાન લાભ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA