
- ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની થીમ સાથે નૈતિકતા, પારદર્શિતા અને સુશાસન પર ભાર
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં સતર્કતા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ રેલવેની કામગીરીમાં ઈમાનદારી, પારદર્શિતા, નૈતિકતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનો તેમજ નિવારક સતર્કતા અંગે અધિકારીઓ અને કર્મચારીઓમાં જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે ‘સત્યનિષ્ઠાથી સમૃદ્ધિ’ની ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું.
સેમિનારમાં પશ્ચિમ રેલવેના પ્રધાન મુખ્ય સતર્કતા અધિકારી (SDGM & CVO)નરેન્દ્ર પાટીલએ અધિકારીઓ અને કર્મચારીઓને સંબોધિત કરતાં રેલવેની કાર્યપ્રણાલીમાં સત્યનિષ્ઠા, પારદર્શિતા અને નૈતિક મૂલ્યોના મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે નિવારક સતર્કતા દ્વારા કાર્યપ્રણાલીને વધુ અસરકારક, પારદર્શક અને સરળ બનાવવા તેમજ પ્રક્રિયાઓમાં સતત સુધારા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો.
આ પ્રસંગે ઉપ મુખ્ય સતર્કતા અધિકારી (Dy. CVO/T) અભયસિંહ ચૌહાણ તથા SVO (E) કુમાર પંકજ શર્માએ પણ સતર્કતા સંબંધિત વિવિધ પાસાઓ, કાર્યપ્રણાલીમાં પારદર્શિતા તથા શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓ અંગે માહિતી આપી.
કાર્યક્રમમાં ભાવનગર મંડળના મંડલ રેલ પ્રબંધક (DRM) દિનેશ વર્મા અને અપર મંડલ રેલ પ્રબંધક (ADRM) ઋત્વિક શર્મા સહિત મંડળના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે ભાવનગર મંડળના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે રેલવેની કાર્યપ્રણાલીમાં પારદર્શિતા, જવાબદારી અને સત્યનિષ્ઠાને મજબૂત બનાવવી એ સંગઠનની પ્રાથમિકતાઓમાં સામેલ છે. તેમણે જણાવ્યું કે નિવારક સતર્કતા દ્વારા પ્રક્રિયાઓને વધુ સરળ, પારદર્શક અને અસરકારક બનાવીને રેલવે સેવાઓની ગુણવત્તામાં સતત સુધારો કરી શકાય છે. તેમણે તમામ અધિકારીઓ અને કર્મચારીઓને પોતાના કાર્યોમાં ઉચ્ચ નૈતિક ધોરણોનું પાલન કરીને સંગઠનની વિશ્વસનીયતા અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા આહ્વાન કર્યું.
સેમિનાર દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓને નૈતિક આચરણ, પારદર્શક નિર્ણય પ્રક્રિયા, નિયમોનું પાલન, પ્રણાલીગત સુધારા તેમજ ભ્રષ્ટાચારની રોકથામ માટે સતર્ક અને પ્રતિબદ્ધ રહેવાનો સંદેશ આપવામાં આવ્યો.
સતર્કતા જાગૃતિ સેમિનારે રેલવે સંગઠનમાં ઈમાનદારી અને પારદર્શિતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવા તેમજ વધુ સારી અને જનકેન્દ્રિત કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ