
ભાવનગર, 09 ઓક્ટોબર (હિ.સ.) : રાજ્યભરમાં માહિતી અધિકાર સપ્તાહ-2026ની ઉજવણીના ભાગરૂપે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના આયોજન હોલ ખાતે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય માહિતી આયોગના કમિશનર ભરતભાઈ ગણાત્રાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી અધિકાર અધિનિયમ-2005ની વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળની વિવિધ જોગવાઈઓ, RTI અરજીઓનો સમયસર નિકાલ, જાહેર માહિતી અધિકારી (PIO)ની જવાબદારીઓ, માહિતી પૂરી પાડવાની પ્રક્રિયા તથા પ્રથમ અપીલ સંબંધિત કાર્યવાહી અંગે સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, જાહેર કરી શકાય તેવી અને મુક્તિ પ્રાપ્ત માહિતી, અરજીઓનો નિયત સમયમર્યાદામાં નિકાલ, સરકારી રેકોર્ડની જાળવણી તેમજ વહીવટી કામગીરીમાં પારદર્શિતા જાળવવા અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. તાલીમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ પૂછેલા પ્રશ્નોના નિષ્ણાતો દ્વારા જવાબ આપી જરૂરી સ્પષ્ટતા કરવામાં આવી હતી.
માહિતી અધિકાર અધિનિયમના અસરકારક અમલ દ્વારા સરકારી તંત્રમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતા વધારવા તેમજ નાગરિકોને માહિતી મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA